SME IPO: KP Greenના આઈપીઓમાં લિસ્ટિંગ સમયે રોકાણકારોને સૌથી વધુ 46 ટકા રિટર્ન, અન્ય બેમાં નજીવુ પ્રીમિયમ
અમદાવાદ, 22 માર્ચઃ એસએમઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓએ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવનાર કેપી ગ્રીનના આઈપીઓમાં રોકાણકારોને સૌથી વધુ 45.83 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્સર કોમ્યુનિકેશન્સે શેરદીઠ રૂ. 4નો નફો આપ્યો છે. Enfuse Solutionsએ 19.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે.
બીએસઈ એસએમઈ ખાતે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.એ આજે રૂ. 144ની ઈશ્યૂ પ્રાઈસ સામે 38.89 ટકા પ્રીમિયમે રૂ. 200ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા અપર સર્કિટ સાથે 210ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઈસ સામે રોકાણકારોને 45.83 ટકા રિટર્ન આપે છે. ગ્રે માર્કેટમાં રૂ. 5 (3 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. કેપી ગ્રીનનો ઈશ્યૂ કુલ 29.50 ગણો ભરાયો હતો. રિટેલ પોર્શન 20.13 ગણો, એનઆઈઆઈ 48.23 ગણો અને ક્યુઆઈબી 32.86 ગણો ભરાયો હતો.
રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું
એનએસઈ એસએમઈ ખાતે Enfuse Solutionsનો આઈપીઓ રૂ. 96ની ઈશ્યૂ પ્રાઈસની તુલનાએ 19.79 ટકા પ્રીમિયમે રૂ. 115ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જે 11.32 વાગ્યે 114.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉંચામાં રૂ. 120 થયો હતો. ગ્રે માર્કેટમાં રૂ. 40 (42 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જો કે, ગ્રે માર્કેટની તુલનાએ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. Enfuseનો ઈશ્યૂ સૌથી વધુ 357.31 ગણો ભરાયો હતો. જેમાં એનઆઈઆઈએ 953.22 ગણા બીડ ભર્યા હતા. જ્યારે રિટેલ પોર્શન 248.42 ગણો અને ક્યુઆઈબી પોર્શન 99.97 ગણો ભરાયો હતો.
એન્સરનું ફ્લેટ લિસ્ટિંગ
એનએસઈ એસએમઈ ખાતે એન્સર કોમ્યુનિકેશન્સ લિ.ના આઈપીઓએ રૂ.72ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 72 છે. જે એક તબક્કે વધીને રૂ. 74 થયો હતો. જો કે, બાદમાં 11.35 વાગ્યે 70.25ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. ઈશ્યૂ માટે ગ્રે પ્રીમિયમ શૂન્ય થયા હતા. ઈશ્યૂ કુલ 7.29 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો.
એસએમઈ સેગમેન્ટમા મોટાભાગના આઈપીઓ ઈશ્યૂ રોકાણકારોને રિટર્ન આપવામાં ઉત્તમ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં પ્રાઈમરી માર્કેટમાં એસએમઈ આઈપીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આગામી સપ્તાહે વધુ 11 એસએમઈ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે.