અમદાવાદ

સીડ ઇન્વેસ્ટર નિસર્ગ શાહના નેતૃત્ત્વ હેઠળની ગુજરાત સ્થિત પ્રારંભિક તબક્કાની વેન્ચર કેપિટલ (વીસી) કેટલબરો વીસીએ આજે તેના સૌપ્રથમ વીસી ફંડ લૉન્ચ કરવાની જાહેરાત કરી. આ ફંડમાં અનુભવી પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો તેમજ સ્ટાર્ટઅપના સ્થાપકો ધરાવતા લિમિટેડ પાર્ટનર્સ (એલપી) તરફથી 40 કરોડ રૂપિયાની મૂડી કટિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ હતી. આ ફંડ ફાઉન્ડર માર્કેટ ફિટ અભિગમને કેન્દ્રમાં રાખીને અનુભવી આંત્રપ્રેન્યોર અને ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાતોની આગેવાની હેઠળના ટેકનોલોજી-કેન્દ્રી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરશે.

ટેકનોલોજી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા અને તેમના સ્થાપકોની સાથે બિઝનેસનું ઘડતર કરવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ્યની સાથે વર્ષ 2021ના અંતમાં અમદાવાદ સ્થિત રોકાણકાર નિસર્ગ શાહ દ્વારા એક સોલો જનરલ પાર્ટનર (જીપી) તરીકે કેટલબરો વીસીની સ્થાપના કરવામાં આવી હતી.

પાંચ સ્ટાર્ટઅપ્સમાં કર્યું રોકાણ

અત્યાર સુધીમાં કેટલબરો વીસીએ વિવિધ ક્ષેત્રોના પાંચ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, જેમાં મેટ્રિક્સની સાથે ઝિપમેટ અને ઝેફર પીકૉક, કાલારીની સાથે ઝોકેટ તથા લીયો અને ચિરાતેની સાથે બાઇટલર્નનો સમાવેશ થાય છે અને આગામી મહિને ઇન્ફોએજ અને કેઈની સાથે વધુ બે રોકાણ થવા જઈ રહ્યાં છે.

આ ફંડ આગામી 12 મહિનામાં કંપની દીઠ 1થી 2 કરોડ રૂપિયા વચ્ચેની ટિકિટ સાઇઝ ધરાવતી પ્રારંભિક તબક્કાની 8-10 કંપનીઓમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ સિવાય તે તેની પોર્ટફોલિયો કંપનીઓના ફૉલો-ઑન રાઉન્ડ્સમાં પણ નોંધપાત્ર રીતે ભાગ લેશે.

કેટલબરો વીસીના જીપી અને ફાઉન્ડર નિસર્ગ શાહે જણાવ્યું હતું કે, ‘અમે જેમાં રોકાણ કરવા માંગીએ છીએ તેવા ઉદ્યમોને ઓળખવામાં ફાઉન્ડર-માર્કેટ ફિટ અભિગમ સૌથી મહત્ત્વનો છે. અમે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સ સાથે ડીલ કરી રહ્યાં હોવાથી અમે શરૂઆતના તબક્કેથી જ સ્થાપકોમાં તેમના ઉદ્યમ અને માર્કેટ અંગે સ્વતંત્ર પ્રતીતિ ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો આઇડીયા સંબંધિત પાર્ટનરોને સાથે લેવાનો તથા રેવન્યૂ મોડલ પર ઊંડી સમજણની સાથે પ્રારંભિક તબક્કાના ઉદ્યમોમાં મૂલ્યવર્ધન કરવાનો છે, જેથી કરીને ઉભરી રહેલા રોકાણકારો આ કંપનીઓ સાથે વ્યાવસાયિક કો-પાર્ટનરશિપ કરી શકે.