અમદાવાદ
ખાણી-પીણી ચીજો મોંઘી થતાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41 ટકાની પાંચ માસની ટોચે નોંધાયો છે. બીજી બાજુ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 18 માસના તળિયે પહોંચ્યા છે. જે જીડીપી ગ્રોથમાં સ્લોડાઉનનો સંકેત આપી રહ્યા છે.
આ આંકડાઓથી જણાઈ રહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિના પડકારોમાંથી ભારત હવે બાકાત રહ્યુ નથી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી તેમજ સર્વિસ સેક્ટરની ગતિવિધિઓમાં ઘટાડો નોંધાયો છે. રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે. આરબીઆઈ રેપો રેટમાં વધુ 50થી 100bpsનો વધારો કરી શકે છે.

ફુગાવો વધશે, આઈઆઈપી ગ્રોથમાં સુધારાની શક્યતા
ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો નોંધાતા રિટેલ ફુગાવોમાં વધારો જારી રહેશે. જેનુ કારણ નબળો રૂપિયો છે. જેના લીધે આયાત મોંઘી થઈ છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હોવા છતાં મોંઘવારી વધી છે. જેની અસર ઉત્પાદન ખર્ચ પર થતાં ફુગાવો આગામી મહિનામાં વધવાની ભીતિ છે. સરકારની મૂડીરોકાણ પ્રોત્સાહન નીતિઓ, ક્ષમતામાં સુધારો તેમજ મજબૂત ધિરાણ વૃદ્ધિ અને સ્થાનિક માગ આઈઆઈપીમાં સુધારો કરશે. – વિવેક રાઠી, ડિરેક્ટર-રિસર્ચ, Knight Frank India

મિલવુડ કેનના સીઈઓ અને ફાઉન્ડર નીશ ભટ્ટે જણાવ્યુ છે કે, ફુગાવો સતત નવ મહિનાથી આરબીઆઈના લક્ષ્યાંકથી વધ્યો છે. જેથી આગામી સમયમાં આરબીઆઈ તેને અંકુશમાં લેવા વધુ કડક વલણ અપનાવી શકે છે. માંગમાં વધારો થયો હોવા છતાં આઈઆઈપીમાં ઘટાડો બિનઅપેક્ષિત છે.

એફઆઈઆઈની વેચવાલીમાં વધારો થશે
સીપીઆઈ અને આઈઆઈપીના આંકડાઓ નિરાશાજનક રહ્યા છે. જે આરબીઆઈ પર વ્યાજદરમાં વધારો કરવા દબાણ કરશે. પરિણામે આવતીકાલે એફઆઈઆઈ દ્વારા મોટાપાયે વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે. ફેડની આવતીકાલે બેઠક છે. અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર કરશે. જેના લીધે વૈશ્વિક સ્તરે વેચવાલીનું પ્રેશર સર્જાશે. યુરોપિયન બેન્કો પણ ટ્રબલમાં છે. અમેરિકાના આંકડાઓ પર ભારતીય માર્કેટનો મદાર રહેવાનો આશાવાદ રાઈટ રિસર્ચના સ્મોલકેસ મેનેજર અને ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવે જણાવ્યો છે.


ઓગસ્ટમાં આઈઆઈપી -0.8 ટકા નોંધાયો છે. જે જુલાઈમાં 2.2 ટકા હતો. તમામ અર્થશાસ્ત્રીઓ અને આરબીઆઈના લક્ષ્યાંક કરતાં આઈઆઈપી અને રિટેલ ફુગાવાના આંકડા બિનઅપેક્ષિત રહ્યા છે. ખાદ્ય ચીજોનો મોંઘવારી દર 8.6 ટકા નોંધાયો છે. જે ઓગસ્ટમાં 7.62 ટકા હતો. જેમાં શાકભાજીનો ફુગાવો ઓગસ્ટમાં 13.23 ટકાથી વધીને 18.05 ટકા થયો છે.

આરબીઆઈ 0.50 ટકાના દરે રેટમાં વધારો જારી રાખશે
MPC આગામી મીટિંગમાં 50 bpsના દરે રેપો રેટમાંમાં વધારો ચાલુ રાખવો પડશે અને તેનાથી આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર થશે જે પહેલાથી જ મંદીના સંકેતો દર્શાવે છે. આરબીઆઈએ જીડીપી ગ્રોથને નુકસાન પહોંચાડ્યા વિના ફુગાવાને કાબૂમાં રાખવા માટે એક મોટું સંતુલન કાર્ય કરવું પડશે. ભલે ફુગાવો અને બજારના પરિપ્રેક્ષ્યમાં IIP નંબરો નકારાત્મક છે, ટૂંકા ગાળામાં બજારની વર્તણૂક પર મધર માર્કેટ યુ.એસ.ના સમાચારોથી વધુ અસર થવાની શક્યતા છે.

ડો. વી.કે વિજયકુમાર, CIS, Geojit Financial services