અમદાવાદ, 1 એપ્રિલઃ શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 71 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનુ 8.97 ટકા ઉછાળા સાથે રૂ. 71 હજાર થયું છે. જેની કિંમત 1 જાન્યુઆરીએ રૂ. 63500 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 75500 થઈ છે. જે ગઈકાલ કરતાં રૂ. 500 ઘટી છે.

અમેરિકી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા પ્રબળ થઈ છે. જેના પગલે કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. બીજી બાજુ ચીનના રોકાણકારો પણ સ્ટોકમાર્કેટ, રિયલ્ટી સેક્ટર તેમજ ઈકોનોમીમાં  મંદીના કારણે સોના-ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. પરિણામે સોના-ચાંદીની કિંમત આગામી સમયમાં વધવાનો આશાવાદ છે.

“સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો, વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ સોનાના ભાવમાં તેજી આવી છે. કોમેક્સ સોનું 2250$ ઉપર અને MCXમાં રૂ. 1100ના ગેપ-અપ સાથે રૂ. 68600થી વધ્યું છે. જો કે, આગળ જોતાં, કોમેક્સમાં 2200-2220$ અને એમસીએક્સમાં આશરે 67500ની આસપાસ નજીવો પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, કારણ કે ટેકનિકલ દૃષ્ટિકોણથી કિંમતો થોડી વધુ પડતી ખરીદી હોવાનું જણાય છે. અઠવાડિયાના અંતમાં અમેરિકામાં ફોકસ નોનફાર્મ પેરોલ અને બેરોજગારીના ડેટા પર રહેશે.”