સ્વાન એનર્જી; આવક બમણી વધી રૂ.804 કરોડ, નફો રૂ. 143 કરોડ
મુંબઈ, 16 ઓગસ્ટ: સ્વાન એનર્જીએ નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. 142.9 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સામે જૂન 2022ના રોજ પૂરા થતા સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 49.50 કરોડની ચોખ્ખી ખોટ હતી. કામગીરીમાંથી આવક રૂ. 804.30 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 209%ની વૃદ્ધિ દર્શાવે છે, જેની સામે નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 260.4 કરોડની આવક નોંધાઈ હતી. એબિટા રૂ. 241.5 કરોડ (રૂ.7.86 કરોડ) હતી. ઈપીએસ રૂ. 5.41 પ્રતિ શેર હતી. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનઈએલ)નું હસ્તાંતરણ આગામી વર્ષોમાં જૂથ માટે વૃદ્ધિ ઉત્પ્રેરક બનવાની અપેક્ષા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટે જણાવ્યું હતું કે, કંપનીએ પ્રથમ વખત મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી સાથે એક ત્રિમાસિક ગાળામાં રૂ. 100 કરોડના ચોખ્ખા નફાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સ્વાન એનર્જી લિમિટેડની સ્થાપના મૂળરૂપે 1909માં સ્વાન મિલ્સ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી, જે ભારતમાં કપાસ અને પોલિએસ્ટર ટેક્સટાઇલ ઉત્પાદનોના ઉત્પાદક અને માર્કેટર છે. વર્ષોથી, જૂથે રિયલ એસ્ટેટમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને ગુજરાતમાં જાફરાબાદ ખાતે ફ્લોટિંગ સ્ટોરેજ અને રિગેસિફિકેશન યુનિટ-આધારિત લિક્વિડ નેચરલ ગેસ (એલએનજી) આયાત ટર્મિનલ વિકસાવી રહ્યું છે.