Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે. સ્વિગીએ જણાવ્યું હતું કે, “કંપનીના નામમાં ફેરફાર કંપનીની કોર બ્રાન્ડ, ‘Swiggy’ સાથે કંપનીના કોર્પોરેટ નામની વધુ નિકટતા અને ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરશે. કંપનીને આ મહિને તેનુ રજિસ્ટર્ડ નામ બદલવા ROC પાસેથી મંજૂરી મળી હતી. કંપની અંદાજિત 1 અબજ ડોલરની ઈશ્યૂ સાઈઝ ધરાવતો આઈપીઓ લાવવા ઈચ્છુક છે. જેમાં 60 કરોડ ડોલરની ઓફર ફોર સેલ સમાવિષ્ટ હોવાના અહેવાલો છે.
ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કંપની આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કરી શકે છે. આઈપીઓ લાવવાનો હેતુ ખર્ચ-દેવામાં ઘટાડો કરી નફાકારકતા હાંસિલ કરવાનો છે. આઈપીઓ આગામી નાણાકીય વર્ષમાં યોજાય તેવી વકી છે.
ખર્ચ ઘટાડવા સ્વિગીએ તેના કર્મચારી બળમાં 6 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત પણ કરી હતી. માર્ચ-23ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કંપનીની કામગીરીમાંથી આવક 45 ટકા વધી રૂ. 8265 કરોડ નોંધાઈ હતી. જ્યારે ચોખ્ખી ખોટ 15 ટકા વધી રૂ. 4179 કરોડ થઈ હતી.
ફૂડ-ડિલિવરી ઉપરાંત, સ્વિગી ઇન્સ્ટામાર્ટ બ્રાંડ હેઠળ ક્વિક-કોમર્સ સ્પેસમાં, ડાઇન આઉટ બ્રાન્ડ હેઠળ ડાઇનિંગ આઉટ સેગમેન્ટમાં પણ કામ કરે છે અને જેની બ્રાન્ડ હેઠળ પાર્સલ ડિલિવરી સેવાઓ પ્રદાન કરે છે.
બંડલ ટેક્નોલોજીસ નામની કંપની, નંદન રેડ્ડી અને શ્રીહર્ષ મજેટી દ્વારા 2014માં શરૂ કરવામાં આવી હતી. મજેટી હાલમાં ફર્મના સીઈઓ છે.
સ્વિગીના મુખ્ય હરીફ ઝોમેટોએ FY23 માટે રૂ. 7,079 કરોડની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 69% વધી છે. ગુરુગ્રામ સ્થિત કંપનીએ FY23 માટે રૂ. 971 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે FY22માં રૂ. 1,222 કરોડની ખોટ કરતાં ઘટી છે.