વોર્ડવિઝાર્ડના ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ વેચાણો 2022માં 131 ટકા વધ્યા
વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ અને ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડે કેલેન્ડર વર્ષ 2022માં વેચાણ 131.6 ટકા વૃદ્ધિ સાથે 43194 યુનિટ્સ થયા છે. જે આગલાં વર્ષે 18963 યુનિટ્સના હતા. કંપનીએ ડિસેમ્બર, 2022માં 5,400 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રવાના કર્યા હતા, જે ડિસેમ્બર, 2021માં રવાના થયેલા 3860 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સરખામણીમાં 39.89 ટકા વધારે છે.
કંપનીના સીએમડી યતિન ગુપ્તેના જણાવ્યા અનુસાર કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળાઓ (એપ્રિલથી ડિસેમ્બર, 2022)માં 30,000થી વધારે યુનિટ (30,493) ઇલેટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ કર્યું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળા (એપ્રિલથી ડિસેમ્બર, 2021)માં વેચાણ થયેલા 17,340 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની સરખામણીમાં 75.8 ટકાની વૃદ્ધિ છે.
કંપનીએ ઇવી ક્ષેત્રમાં લોકલાઇઝેશનને પ્રોત્સાહન આપવા વડોદરામાં ભારતનું સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હિકલ એન્સિલરી ક્લસ્ટર વિકસાવવા માટે 4 મિલિયન ચોરસ ફીટ જમીન એક્વાયર કરી હતી. વડોદરામાં એના ઇલેક્ટ્રિક વ્હિકલ એન્સિલરી ક્લસ્ટરમાં લિ-આયન એડવાન્સ સેલનું ઉત્પાદન એકમ સ્થાપિત કરવા સિંગાપોરની રિન્યૂએબલ એનર્જી મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની સનકનેક્ટ સાથે સમજૂતીકરાર (એમઓયુ) કર્યા હતા. વોર્ડવિઝાર્ડે લિ-આયન સેલ્સ પ્લાન્ટ અને સંબંધિત માળખાના વિકાસ માટે માધ્યમો કે સીક્યોરિટીઝ ઇશ્યૂ કરીને 150 મિલિયન ડોલર (આશરે રૂ. 1,230 કરોડ) ઊભા કરશે.
કંપની સિંગાપોરમાં એનું પ્રથમ ગ્લોબલ આરએન્ડડી હેડક્વાર્ટર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. કંપની સિંગાપોરમાં એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વોર્ડવિઝાર્ડ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત સેન્ટર એન્ડ ગ્લોબલ સેલ્સ ઓફિસ સ્થાપિત કરશે.