નવી દિલ્હીઃ Paytmના શેરમાં આજે 20 ટકાની અપર સર્કિટ વાગી હતી. પેટીએમએ ડિસેમ્બર ત્રિમાસિકમાં મજબૂત પરિણામો જાહેર કરતાં શેરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આજે પેટીએમનો શેર (Paytm Stock Price) 20 ટકા વધીને રૂ. 669.6ની ટોચે પહોંચ્યો હતો. 3.20 કલાકે 5.32 ટકા વધી રૂ. 588ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પ્રથમ વખત ઓપરેટિંગ નફો હાંસલ કર્યો છે. કંપનીએ તેના માટે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ત્રણ ક્વાર્ટર આગળ ઓપરેટિંગ નફો હાંસલ કર્યો હતો. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટમાં ઘટાડો થવાને કારણે આ જોવા મળ્યું હતું. પેમેન્ટ ગેટવે સેવા પ્રદાતાએ ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં રૂ. 392 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. આ 2021ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 779 કરોડની ચોખ્ખી ખોટ કરતાં ઘણી ઓછી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 2,062 કરોડ થઈ છે. વેપારી સબ્સ્ક્રિપ્શન આવકમાં વૃદ્ધિ, લોન વિતરણ અને વાણિજ્ય વ્યવસાયમાં વેગને કારણે પેટીએમની મૂળ કંપનીની આવકમાં ઉછાળો આવ્યો હતો. Paytmના શેરની કિંમત 20 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 669.95ના સ્તરે પહોંચી હતી. જોકે આ પછી આ સ્ટૉકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બપોરે 02:09 વાગ્યે કંપનીનો શેર 7.22 ટકાના ઉછાળા સાથે રૂ. 598.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જો વર્તમાન સ્તરે જોવામાં આવે તો છેલ્લા પાંચ સત્રમાં આ સ્ટોક 11.66 ટકા સુધી ચઢ્યો છે. આ સ્ટૉકનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 984.50 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 438.35 રૂપિયા છે.