અદાણી પાવરે બાંગ્લાદેશ માટે 748 મેગાવોટનો ગોડ્ડા પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો
અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના ૨x૮૦૦ મેગાવોટ પૈકીના પ્રથમ ૮૦૦ મેગાવોટના યુનિટમાંથી બાંગ્લાદેશને ૭૪૮ મેગાવોટ વીજળી આપવાનો આરંભ
આ પ્લાન્ટ પ્રવાહી બળતણમાંથી પેદા થતી મોંઘી વીજળીને બદલશે અને વીજ ખરીદીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરશે
બાંગ્લાદેશના ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં ગોડ્ડા પાવર નિર્ણાયક ભૂમિકા ભજવશે
ગોડ્ડા, ઝારખંડ, 10 એપ્રિલ 2023: અદાણી પાવર લિ. (APL)એ ભારતના ઝારખંડ જિલ્લામાં ગોડ્ડા ખાતે આવેલા તેના પ્રથમ ૮૦૦ મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપર-ક્રિટીકલ થર્મલ પાવર જનરેશન યુનિટનો આરંભ કરવાની જાહેરાત કરતા બાંગ્લાદેશને ૭૪૮ મેગાવોટ પાવર સપ્લાય આપવાનું શરૂ કર્યું છે. ગોડ્ડામાંથી સપ્લાય કરવામાં આવતી વીજળી પ્રવાહી બળતણમાંથી ઉત્પન્ન થતી મોંઘી શક્તિનું સ્થાન લેવા સાથે ખરીદેલી વીજળીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરનાર હોવાથી પડોશી દેશની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ લાવશે.
અદાણી પાવર લિ.ના મુખ્ય કારોબારી અધિકારી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ ભારત અને સમગ્ર દક્ષિણ-પૂર્વ પ્રદેશમાં સ્થાપિત થયેલો સૌથી કાર્યક્ષમ અને ઇકો ફ્રેન્ડલી થર્મલ પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે અને વિશ્વમાં આ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પૈકીનો એક છે. સો ટકા ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), SCR અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે પ્રથમ દિવસથી જ તેની કામગીરી શરૂ કરનાર દેશનો આ પ્રથમ પાવર પ્લાન્ટ છે.
બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) એ APLની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL) સાથે ૨X૮૦૦ MW અલ્ટ્રા-સુપર પાવર પ્રોજેક્ટમાંથી ૧,૪૯૬ મેગાવોટ નેટ કેપેસિટી પાવર મેળવવા માટે નવેમ્બર ૨૦૧૭માં લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કર્યા હતા. ખાનગી ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા પાવર ઉત્પાદક ગોડ્ડા ખાતે ટૂંક સમયમાં ૮૦૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું તેનું બીજું એકમ શરૂ કરે તેવી અપેક્ષા છે.