Yes Bankનો ચોખ્ખો નફો 45 ટકા ઘટી 202 કરોડ, આવકો 25 ટકા વધી
અમદાવાદ, 22 એપ્રિલઃ યસ બેન્કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 202.43 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 367.46 કરોડ સામે 45 ટકા ઘટ્યો છે. ત્રિમાસિક ધોરણે યસ બેન્કે Q3FY23ના ₹51.52 કરોડના ચોખ્ખા નફા સામે લગભગ 293 ટકાનો વધારો નોંધાવ્યો હતો. કુલ આવકો 25 ટકા વધી ₹7,298.51 કરોડ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ₹5,829.22 કરોડ હતી.
ચોખ્ખા નફામાં ઘટાડા માટે વધતી જતી જોગવાઈઓને કારણભૂત ઠેરવતા યસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કોની જોગવાઈમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં તે સતત બીજા વર્ષે નફાકારકતા જાળવી રાખવામાં સફળ રહી છે.
બેન્કની કુલ આવકો 19.46 ટકા વધી રૂ. 26624.08 કરોડ
નાણાકીય વર્ષ 2022-23માં યસ બેન્કની કુલ આવકમાં 19.46 ટકાનો વધારો નોંધાવ્યો હતો. FY22માં તેની કુલ આવક ₹22,285.98 કરોડની સામે 2022-23માં રૂ. ₹26,624.08 કરોડ નોંધાઈ હતી. FY23માં, યસ બેન્કની NII ₹7,918 કરોડ હતી, જે તેની FY22ની ચોખ્ખી વ્યાજની આવક કરતાં 21.80 ટકા વધારે છે. યસ બેન્કે FY23માં પણ સ્ટેન્ડઅલોન એસેટમાં વધારો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2022-23માં, યસ બેન્કની કુલ સંપત્તિ ₹3,54,786.13 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 22માં તેની કુલ સંપત્તિ ₹3,18,220.23 કરોડથી લગભગ 11.49 ટકા વધારે છે.
ચોથા ત્રિમાસિકમાં યસ બેન્કની ચોખ્ખી વ્યાજ આવક (NII) ₹2,105 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 15.70 ટકા અને Q0Qમાં 6.80 ટકાનો વધારો દર્શાવે છે.