વોલેટિલિટી બાદ સેન્સેક્સ 79 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 19500ની નીચે
અમદાવાદ, 14 ઓગસ્ટઃ સોમવારે ભારે ઉતાર-ચઢાવ બાદ આઈટી, ટેકનો અને એફએમસીજી શેરોમાં લેવાલીથી બજાર ફરી ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને બીએસઈ સેન્સેક્સ 79 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 19500ની નીચે બંધ રહ્યો હતો. સોમવારે વૈશ્વિક રાહે ભારતીય બજાર પણ નીચે ગેપમાં ખુલ્યા બાદ વધુ ગગડ્યું હતું પરંતુ, નીચા મથાળે આઈટી, ટેકનો અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલીથી ઘરેલૂ બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને દિવસના અંતે 150 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યું હતું. આજે દિવસની નીચી સપાટીથી સેન્સેક્સમાં 508 પોઈન્ટ્સની રિકવરી જોવા મળી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 65,517.82 અને નીચામાં 64,821.88 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 79.27 પોઈન્ટ્સ અથવા 0.12 ટકા ઉછળીને 65401.92 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,465.85 અને નીચામાં 19,257.90 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 6.25 પોઈન્ટ્સ અથવા 0.03 ટકાના ઉછાળા સાથે 19434.55 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આઈટી, ટેકનો અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, પાવર, રિયલ્ટી, એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.50 ટકા અને 0.15 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
Mazagon Dockના શેરમાં લિસ્ટિંગથી અત્યારસુધી 1100 ટકા ઉછળ્યો
મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડનો શેર આજે 7.04 ટકા ઉછાળા સાથે 1862.75ની સપાટીએ બંધ રહ્યો હતો. શેર લિસ્ટિંગથી અત્યારસુધીમાં મલ્ટીબેગર સાબિત થયો છે. છેલ્લા એક વર્ષમાં મઝાગોન ડોકના શેર 459 ટકા વધ્યા છે. જે 12 ઓગસ્ટ-22માં 311.40ના બંધ સામે રૂ. 18623.75 બંધ રહ્યો હતો. છેલ્લા 6 મહિનામાં MazagonDockના શેરે 144% રિટર્ન આપ્યું છે. કંપનીએ 12 ઓક્ટોબર-20ના રોજ રૂ. 145ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 19 ટકા પ્રિમિયમે 173ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ સતત તેજી જોઈ છે. ગત શુક્રવારના બંધ સામે શેર 1100.14 ટકા ઉછળ્યો છે. Mazagon Dock Shipbuilders Limited 52 સપ્તાહની ઊંચી રૂ. 2042 છે જ્યારે 52 સપ્તાહની નીચી રૂ.290 છે.