SBICAP Trusteeએ આખા કોળાનું શાક બનાવ્યું!!!!
ટાર્ગેટ કંપની તરીકે “સુઝલોન એનર્જીના સ્થાને અદાણી એનર્જી” ટાઇપોગ્રાફીક ભૂલ કે કૌભાંડ?
સુઝલોનના શેર્સ અંગે ગેરસમજ ફેલાવતા મોટા ગોટાળા અંગે થયો ખુલાસો
SBICAP Trusteeની ટાઇપોગ્રાફીક ભૂલનો ભોગ બનનારા રોકાણકારોને રાહત કોણ અપાવશે?
SBICAP ટ્રસ્ટીના ખુલાસાની રમતમાં રોકાણકારો નવાણિયા કૂટાશે અને ખટાશવાદીયાઓ લાભ ખાટશે
અમદાવાદઃ ગત સપ્તાહના અંત દરમિયાન બજારમાં એવી અફવા ફેલાઇ હતી કે સુઝલોન એનર્જીને અદાણી જૂથ ટેકઓવર કરશે. તેની પાછળ સુઝલોનના શેરમાં તા. 29 ઓગસ્ટના રોજના રૂ. 8.10ના બંધ ભાવથી સુધારાનો સળવળાટ શરૂ થયો હતો. હદ તો ત્યારે વટી ગઇ કે આજે SBICAP ટ્રસ્ટી કે જેમણે સુઝલોન એનર્જી ગ્રૂપને જંગી લોન્સ ફાળવી છે તેમણે ખુલાસો કર્યો કે, SBICAP ટ્રસ્ટીએ અજાણતાં ટાર્ગેટ કંપની તરીકે ભૂલથી સુઝલોન એનર્જીના સ્થાને અદાણી ગ્રીનના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને બજારમાં કેટલાંક વર્ગે એવી રીતની અફવામાં કન્વર્ટ કરી કે અદાણી જૂથ સુઝલોન એનર્જીનો સ્ટેક ખરીદી રહ્યું છે. બાર હાથના ચીભડાંમાંથી તેર હાથનું બી નીકળ્યું ત્યારે બજારમાં ભાન થયું કે, સ્ટેક અદાણી જૂથે નહીં SBICAP Trusteeએ વધાર્યો છે. પરંતુ આ તો બજાર છે. ચાનક ચડે પછી બાકી મૂકે…?
SBICAP Trusteeએ સુઝલોન એનર્જીમાં તેમનો સ્ટેક વધારીને 9.92 ટકા કર્યો છે. તે અંગે SBICAP Trustee તરફથી જે જાહેરાત કરાઇ હતી તેમાં ટાર્ગેટ કંપની તરીકે અદાણી ગ્રીનનો ઉલ્લેખ કર્યો હતો. આખું કોળું શાકમાં જેવી એ ટાઇપોગ્રાફીક ભૂલ હતી કે કૌભાંડ તે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે. તેના સ્થાને આટલાં ખૂલાસા માત્રથી કામ પતી જવાનું? તો પછી સુઝલોન એનર્જીનો શેર સોમવારે 19.98 ટકાની તેજીની સર્કિટ સાથે રૂ. 10.37ના મથાળે પહોંચી કેવી રીતે ગયો તે અંગે માર્કેટમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તા. 29 ઓગસ્ટના રોજ રૂ. 8.10ની સપાટીએ રહેલો શેર સોમવારે રૂ. 10.37ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, શેરમાં માત્ર 3 ટ્રેડિંગ સેશન્સ દરમિયાન રૂ.2.27 (28.375 ટકા)નો જંગી ઉછાળો નોંધાવ્યો છે.
ત્રણ દિવસમાં સુઝલોનના શેરમાં 28.37 ટકાનો જંગી ઊછાળો
DATE | OPEN | HIGH | LOW | CLOSE |
29/8/22 | 7.91 | 8.38 | 7.70 | 8.06 |
30/8/22 | 8.12 | 8.34 | 8.11 | 8.18 |
1/9/22 | 8.16 | 8.95 | 8.12 | 8.83 |
2/9/22 | 8.92 | 9.21 | 8.75 | 8.81 |
5/9/22 | 9.11 | 10.57 | 9.10 | 10.57 |
સુઝલોનના ઊંચા ભાવે શેર્સ ખરીદનારાઓ ગળામાંથી ગાળિયો કાઢવા માગે છે….?
ભૂતકાળમાં સુઝલોન એનર્જીના જંગી સંખ્યામાં શેર્સ બલ્કમાં ઊંચા ભાવે ખરીદનારાઓ હવે પોતાના ગળામાંથી ગાળિયો રોકાણકારોના ગળામાં ભેરવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ બજારમાં ચર્ચાઇ રહ્યું છે. રૂ. 8 આસપાસના ભાવે 10 કરોડ આસપાસ શેર્સની ડિલિવરી બેઝ્ડ સોદા થયા હોવાથી પણ બજારમાં ચર્ચાઇ રહ્યું છે કે સુઝલોનમાં સટ્ટાનું જાળું ગૂંથાઇ રહ્યું છે.