અમદાવાદ

અદાણી એન્ટરપ્રાઈઝ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કર્યા. કંપનીએ શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં આ જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (‘બોર્ડ’), તેની આજે 25મી નવેમ્બર 2022ની બેઠકમાં, કંપની દ્વારા ફ્રેશ ઇશ્યૂ દ્વારા વધુ ઈક્વિટી શેર્સ જારી કરી રૂ. 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે.

દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા હશે. વધુમાં, શેરધારકોની મંજૂરી પોસ્ટલ બેલેટ દ્વારા લેવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં 1,800 ટકાના ઉછાળા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં અદાણી ગ્રૂપના કેટલાક શેરોમાં 2,000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. શેરોમાં સતત તેજી સાથે અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

જો કે, ઉંચો ડેટ રેશિયો અને મર્યાદિત રોકાણકાર આધાર માટે અદાણી ગ્રૂપની વારંવાર ટીકા કરવામાં આવી છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, એફપીઓ દ્વારા એકત્રિત ફંડ ગ્રુપને ડિલિવરેજ કરવામાં મદદ કરશે અને કંપનીઓના ડોલર બોન્ડને ટેકો આપશે. તેનાથી ગ્રૂપના ડેટ રેશિયો, સ્ટોક લિક્વિડિટી અને રોકાણકારોના આધારમાં વધારો થવાની અપેક્ષા છે.

2020માં, અદાણીના સાથી અબજોપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો હિસ્સો મેટા અને આલ્ફાબેટને વેચીને $27 અબજ કરતાં વધુ ફંડ એકત્ર કર્યુ હતું.

અદાણી એન્ટરપ્રાઇઝ એ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે, જે ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંની એક છે. કંપનીનું બિઝનેસ રોકાણ એરપોર્ટ મેનેજમેન્ટ, ટેક્નોલોજી પાર્ક, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે.

BSE પર અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 0.69% ઘટીને રૂ. 3,895 થયો હતો.