અદાણી જૂથના શેર્સમાં હેવી કરેક્શન પછી શું કરશો..??!!
અમદાવાદઃ હિન્ડનબર્ગના નેગેટિવ રિપોર્ટના આધારે અદાણી જૂથના શેર્સ ઉપર મંદીવાળાઓની ખાબકવાની નીતિના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે બિચારો ટીપ્સના આધારે ટીપાયો હતો. તેના માટે એવું કહી શકાય કે, શેરબજારમાં તમે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કોઇ શેર જે ભાવે ખરીદો છો તેનાથી ઊંચો ભાવ આવે જ આવે અને જે ભાવે વેચો તેનાથી નીચો ભાવ આવે જ આવે છે. ટૂંકમાં ખરીદી અને વેચાણની તક મળે જ મળે છે. જરૂર હોય છે માત્ર ધન, ધ્યાન અને ધીરજની. ખેર… મૂળ વાત ઉપર આવીએ તો બજાર પંડિતો, નિષ્ણાતો, ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ હૈયાધારણા આપી રહ્યા છે કે, અદાણી જૂથના શેર્સમાંથી મંદીનું ઝેર ધીરે ધીરે નીચોવાઇ રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇસિસ અને અદાણી ગ્રીનમાં ટેકનો- ફન્ડામેન્ટલ્સ ધીરે ધીરે રાહત રેલીનો સંકેત આપી રહ્યા છે.
અદાણી એન્ટરપ્રાઇસીસઃ શુક્રવારે લેણની સામે વેચાણની સ્થિતિ સંકડાઇ હતી. 1586.80ના ભાવે માત્ર 29756 શેર વેચવા માટે દેખાતા હતા. તા. 21 ડિસેમ્બર-22ના રોજ રૂ. 4190ની સર્વોચ્ચ સપાટી અને 3જી ફેબ્રુઆરી-23ના રોજ 1017.45ની વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. હિન્ડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી આ શેરમાં જોવાયેલા કડાકા બાદ શુક્રવારે પહેલી વાર આ શેરે લોઅર સર્કીટનો સીલસીલો તોડી સુધારાની શરૂઆત કરી છે. તે માટે ફિચ રેટીંગ્સ અને ફ્રાન્સની ઊર્જા કંપની ટોટલ એનર્જી તરફથી આવેલા પોઝીટીવ સ્ટેટમેન્ટ્સની સાનુકૂળ અસર જોવા મળી છે. કંપનીમાં 74.9 ટકા સ્ટેક પ્રમોટર્સનો છે, તે જોતાં એફપીઓના કારણે ફ્લોટીંગ સ્ટોક વધવાની જે અસર એઇએલના ભાવ પર થઇ શકે તેમ હતી એ હાલ પૂરતી સાઇડમાં રહી ગઇ છે, તેથી ફરીથી અદાણીનો કરિશ્મા કામ કરવાની સંભાવના નકારી શકાય નહીં! વનટાઇમ રોકાણ કરનારે રૂ. 999નો સ્ટોપલોસ સાથે આ શેરમાં ઝંપલાવવાની સલાહ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂ. 2800-3200નો રાખવાની ગણતરી રાખી શકાય.
અદાણી ગ્રીન એનર્જીઃ બાવન સપ્તાહની ટોચેથી સૌથી વધુ 69.31 ટકા ગગડેલ અદાણી ગ્રીનનો શેર રૂ. 935.90ની નીચલી સર્કીટે બંધ રહ્યો છે, જે એની 52 સપ્તાહની બોટમ છે. આ શેરમાં 99 ટકા શેરની ડિલિવરી ઉતરે છે એ જોતાં હજૂ થોડું ઝેર બાકી છે. પરંતુ લોંગટર્મ માટે ધીરે ધીરે ખરીદીની શરૂઆત કરવાની સલાહ મળી રહી છે.
અદાણી ટ્રાન્સમીશનઃ 52 સપ્તાહના હાઇથી 67.05 ટકા તૂટી લોઅર સર્કીટે રૂ. 1396.05ના સ્તરે બંધ રહ્યો છે. સો ટકા ડિલિવરી ઉતરી છે. ટેકનિકલ બાઉન્સબેકનો લાભ જોખમ સાથે લઇ શકાય.
અદાણી વિલ્મરઃ બાવન સપ્તાહની ટોચેથી 54.45 ટકા નીચે છે, શુક્રવારે રૂ. 399.95ની નીચલી સર્કીટે બંધ રહ્યો છે. 85.23 ટકા ડિલિવરી ઉતરી છે. સર્કીટ્સ રીવર્સ ન લાગે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવાની સલાહ મળી રહી છે.
અદાણી ટોટલ ગેસઃ ફિફ્ટી ટૂ વીકની ટોચેથી 59.44% ઘટી ગયેલા આ શેરમાં પણ રૂ. 1622.35નું લેવલ જોયા પછી સર્કીટ રિવર્સલ સુધી વેઇટ એન્ડ વોચનું વલણ અપનાવવાની સલાહ મળી રહી છે.
અદાણી પાવરઃ 55.62% નીચે મળતા અદાણી પાવરમાં પણ જ્યાં સુધી ટ્રેન્ડ ટર્નઅરાઉન્ડ ના થાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની સલાહ મળી રહી છે.
અદાણી પોર્ટઃ 52 સપ્તાહના હાઇથી 49.50% નીચે રૂ. 498.85ની સપાટી જોવા મળી છે. ફંડામેન્ટલ એનાલિસ્ટો વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 375ના સ્ટોપલોસને ધ્યાનમાં રાખીને આગળ વધવાની સલાહ મળી રહી છે.
અંબુજા સિમેન્ટઃ રૂ. 598ના 09-12-22ના રોજ નોંધાયેલા 52 વીક હાઇથી 37.53 ટકા નીચે રૂ. 373.60ની સપાટી શુક્રવારે જોવા મળી છે. 52 વીક લોથી 36.35% ઉપર છે. રૂ. 299ના સ્ટોપલોસે જોખમ ખેડી શકાય.
કંપની | 52 વીક હાઇ | છેલ્લો બંધ | શુક્રવારે+/-% |
અદાણી એન્ટર. | 4190 | 1584.20 | 1.25 |
અદાણી પોર્ટ | 988 | 498.85 | 7.98 |
અદાણી પાવર | 433 | 192.05 | -5.00 |
અદાણી ટ્રાન્સમિશન | 4239 | 1401.55 | -10.00 |
અદાણી ગ્રીન | 3048 | 934.25 | -10.00 |
અદાણી ટોટલ | 3998 | 1625.95 | -5.00 |
અદાણી વિલ્મર | 878 | 400.40 | -4.99 |
અંબુજા સિમે. | 598 | 373.70 | 6.03 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)