મહિલાઓ માટે સુરક્ષિત રોજગારીની દ્રષ્ટિએ અમદાવાદ ત્રીજા સ્થાને
મુંબઈઃ રોજગારીની દ્રષ્ટિએ મહિલાઓને સૌથી વધુ અનુકૂળતા અને સુરક્ષા પૂરી પાડતા ટોચના શહેરમાં અમદાવાદ ત્રીજા સ્થાને છે. મુંબઈ અને પુણે ક્રમશઃ પ્રથમ અને બીજા ક્રમે છે. અવતાર ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલા ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેરો શીર્ષક હેઠળના અહેવાલમાં 111 શહેરોની યાદી જારી કરવામાં આવી છે. જેમાં મહિલાઓના રોજગારમાં અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડવા માટેના પરિમાણોના આધારે છે.
ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 111માંથી માત્ર નવ શહેરોએ 50થી ઉપરનો સિટી ઈન્ક્લુઝન સ્કોર મેળવ્યો છે. ઘણા રાજ્યોની રાજધાનીઓ ટોચના 25 સ્થાનોમાં સ્થાન પામતી નથી. દિલ્હી, નાગપુર, ઔરંગાબાદ અને ફરીદાબાદ જેવા શહેરોનું સામાજિક સમાવેશ રેન્કિંગ ઔદ્યોગિક સમાવેશ રેન્કિંગ કરતા ઓછું છે. જ્યારે પુડુચેરી, વિશાખાપટ્ટનમ, સુરત અને બિલાસપુર જેવા શહેરોમાં ઔદ્યોગિક સમાવેશની રેન્કિંગ ઓછી છે પરંતુ સામાજિક સમાવેશના સ્કોર્સ ઊંચા છે.
આ અંગે અવતાર ગ્રૂપના ફાઉન્ડર અને ચેરપર્સન, ડૉ. સૌંદર્યા રાજેશે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોના રાજકીય-ઐતિહાસિક સંદર્ભને જોતાં આ પ્રદેશો રોજગારની દ્રષ્ટિએ મહિલાઓ માટે વધુ અનુકૂળ છે. હુબલી, નાગપુર, અમદાવાદ અને કોઈમ્બતુર જેવા શહેરો તેમના ઉચ્ચ ઔદ્યોગિક સમાવેશના સ્કોર્સને કારણે મહિલાઓના રોજગાર માટેના આશાસ્પદ કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે તે આનંદદાયક છે.