ભારતમાં RAKEZના ચીફ કોમર્શિયલ ઓફિસર અનસ હિજાવીની GCCI ખાતે મુલાકાત
અમદાવાદ, 10 જૂનઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતમાં રસ-અલ-ખૈમાહ ઇકોનોમિક ઝોન (RAKEZ)ના ચીફ કોમર્શિયલ ઓફિસર અનસ હિજાવી અને તેમની ટીમ સાથે એક મિટિંગ કરી હતી. હિજાવી સાથે જોન કનલિફ, સ્ટ્રેટેજિક બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર અને કેવિન એન્ચીસ, સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને RAKEZ અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો હતો.
મીટિંગમાં રસ-અલ-ખૈમાહ ઇકોનોમિક ઝોન (RAKEZ)ના ચીફ કોમર્શિયલ ઓફિસર અનસ હિજાવીએ રસ-અલ-ખૈમાહ અને ભારત દેશ સાથે પરસ્પર વેપાર સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા પર ભાર મૂક્યો. RAKEZ તેના સુવ્યવસ્થિત ઔદ્યોગિક સાહસો, લોજિસ્ટિક્સ અને 50% સુધી ઓછા ખર્ચ સાથે ખર્ચકાર્યક્ષમ કામગીરી માટે જાણીતું છે જે એક આકર્ષક વ્યવસાય વાતાવરણ રજૂ કરે છે અને ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની જરૂરિયાતો અને લક્ષ્યો સાથે સંરેખિત થાય છે.
GCCI ના પ્રમુખ પથિક પટવારીએ RAKEZના પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ ફૂડ એન્ડ બેવરેજ, પેકેજિંગ અને ઓટોમોટિવ જેવા સહકારના સંભવિત ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા કરી હતી. અનિલ જૈન, માનદ મંત્રી GCCIએ GCCIના વિઝન અને મિશનને આગળ વધારવામાં આ સમિતિઓ અને ટાસ્ક ફોર્સ અગત્યનો ભાગ ભજવે છે તેવું જણાવ્યું હતું. જ્હોન કનલિફે ઉદ્યોગોને RAKEZમાં આપવામાં આવતા ફાયદાઓની માહિતી આપી હતી. તેમણે ટેક્સ માળખા, કોર્પોરેટ કાયદાઓ, ન્યૂનતમ અમલદારશાહી અને RAKEZના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન વિશે ચર્ચા કરી હતી. વધુમાં, તેમણે અન્ય ગલ્ફ દેશોની સરખામણીમાં RAKEZમાં રહેવા માટે અને બિઝનેસ સેટઅપ માટે આકર્ષક સ્થળ છે તેવું જણાવ્યું હતું. GCCI અને RAKEZએ પરસ્પર રોકાણો અને સંયુક્ત સાહસો માટે આર્થિક વિકાસને આગળ વધારવા અને નવી તકો ઉભી કરવા માટે સક્રિયપણે કામ કરશે. અપૂર્વ શાહ, માનદ ખજાનચી, GCCI એ RAKEZ પ્રતિનિધિમંડળનો આભાર માની મિટિંગ નું સમાપન કર્યું હતું.