મિડકેપને વધુ માર પડતો હોવાથી મિડકેપ સિલેક્ટ ઘટ્યોબ્રેન્ટ ક્રુડ વધ્યું-BPCL-HPCL-એશીયન પેઇન્ટ્સ ઘટ્યાંONGC વધ્યો વ્હર્લપુલમાં 7.32% નો વીક્લી ગેઇન

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ શુક્રવારે પણ બજારની ડાઉનવર્ડ જર્ની ચાલુ રહેતાં મિડકેપને વધુ માર પડ્યો હતો. મુખ્ય પાંચ ઇન્ડેક્સોમાંથી સૌથી વધુ મિડકેપ સિલેક્ટ સવા ટકો તૂટી 12812.55 થઇ ગયો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 20 શેરો ઘટીને બંધ રહ્યા હતા. ટોપ 5 લુઝર્સમાં ટોપ પર ગોદરેજ પ્રોપર્ટી 5.80%, રૂ. 178 ઘટીને રૂ. 2893.10 બંધ હતો. બજારે ટોપ બનાવી શરૂ કરેલા કરેક્શનમાં રિયલ્ટી સેકટરના શેરો અને ઇન્ડેક્સ સતત ઘટ્યાં છે. એમ્ફેસીસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ બંન્ને બબ્બે ટકા ઘટીને અનુક્રમે રૂ. 2860 અને 406ના સ્તરે વિરમ્યા હતા. વોલ્ટાસ 1.93% ઘટી રૂ. 1810 અને એમઆરએફ ટાયર 1.91%, રૂ. 2604 તૂટી 133500 બંધ હતા. મિડકેપ સિલેક્ટના સુધરનારા શેરોમાં કોફોર્જ અને લુપીન 1-1 ટકો સુધરીને અનુક્રમે રૂ. 7135 અને રૂ. 2205 બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ જૂન 2022 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો.

એક સપ્તાહમાં  બીએસઇ લીસ્ટેડ કંપનીઓએ  ₹18 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ગુમાવ્યું હતું. નિફ્ટીના 50 માંથી 37 શેરો લાલ રંગમાં બંધ થતાં બજારમાં બ્રોડ-બેઝ્ડ સેલિંગ થઇ રહ્યું હોવાનું પ્રતીત થતું હતુ. નિફ્ટી એક સપ્તાહમાં લગભગ 5% ગબડતાં બજારમાં ત્રણ સપ્તાહથી ચાલેલો વૃદ્ધિનો દોર અટકી ગયો હતો. નિફ્ટી ઇન્ટ્રાડેમાં 24966.80 સુધી ગયા પછી 25,000 ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આ અગ્રણી આંક 25250 વાળો 25182 ખુલી વધીને 25485 આસપાસ સુમારે સાડાબારે ગયા પછી વેચવાલીના દબાણે 24966.80ના દૈનિક બોટમ સુધી જઇ આવી  0.93%, 235 પોઇન્ટ્સ ઘટી 25014.60 બંધ રહ્યો હતો.

ભૌગોલિક રાજકીય તણાવ અને ચીન તરફ ઢસડાતો  મૂડીપ્રવાહ

ભૌગોલિક રાજકીય તણાવ અને ચીન તરફ ઢસડાઇ જતાં  મૂડી પ્રવાહે સમગ્ર ભારતીય બજારોમાં સેન્ટિમેન્ટ ડહોળ્યું હતુ. ફંડ મેનેજરોએ પણ ભારતના વેઇટેજમાં એક ટકાનો ઘટાડો કર્યો અને એની સામે ચીનનું વજન એક ટકાના પ્રમાણમાં વધારી દીધું હોવાનું અને ચીનનું બજાર ન ખુલે ત્યાં સુધી હોંગકોંગના રુટ મારફત ચીનના શેરોમાં પોઝીશન વધારવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલોએ આપણા બજારને તોડ્યું હતુ.

એશીયન પેઇન્ટ્સ અઢી ટકાના લોસે રૂ. 3073 બંધ

બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન ગુરૂવારે મોડી સાંજે રૂ. 465.26 લાખ કરોડના સ્તરે હતું એ શુક્રવારે રૂ. 460.90 લાખ કરોડ દેખાતું હતુ. નિફ્ટીના બજાજ ફાઇનાન્સે તેના બીજા ક્વાર્ટરના અપડેટ આપ્યાં તેમાં નવી લોન બુકીંગનો ગ્રોથ 14 ટકા જ રહેતાં શેરનો ભાવ  2.86% ઘટી રૂ. 7221 થઇ ગયો હતો. છેલ્લાં છ ત્રિમાસિક ગાળામાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વૃદ્ધિ સૌથી નબળી આ ક્વાર્ટરમાં રહી હોવાનો વસવસો પણ દેખાતો હતો. આ ઇન્ડેક્સમાં સૌથી વધુ મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર સાડા ત્રણ ટકા તૂટી રૂ. 3019 બંધ હતો. કંપનીએ ઇલેક્ટ્રીક સેગ્મન્ટમાં મહીન્દ્ર ઝેઓ લોન્ચ કરવાની જાહેરાત કર્યા પછી પણ શેરનો ભાવ ઘટ્યો હતો. ક્રુડ તેલના ભાવ વધવાની અસરે એશીયન પેઇન્ટ્સ અઢી ટકાના લોસે રૂ. 3073 બંધ હતો. ઉપરાંત નેસ્લે પણ 2.33% ઘટી રૂ. 2612 તેમ જ બીપીસીએલ વધુ 2.31% ડાઉન થઇ રૂ. 340ના સ્તરે બંધ હતા.

બેન્ક નિફ્ટી 0.74% અને નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 1.09% ઘટી

 નિફ્ટીના સુધરનારા શેરોમાં ઇન્ફોસીસ દોઢ ટકો સુધરી રૂ. 1922, ઓએનજીસી 1.18% વધી રૂ. 295.5 અને એચડીએફસી લાઇફ એક ટકાના ગેઇને રૂ. 709 બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 1.10% ઘટી 828 પોઇન્ટ્સ ઘટીને 74620 થઇ ગયો હતો. બેન્ક નિફ્ટી 0.74% અને નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 1.09% ઘટી અનુક્રમે 51462 અને 23622ના લેવલે બંધ હતા.

એનએસઇના 77માંથી 71 ઇન્ડેક્સો ઘટી ગયા

સૌથી વધુ ઘટાડો મિડીયા ઇન્ડેક્સમાં 2.61%, એફએમસીજી ઇન્ડેક્સમાં 1.74% અને રિયલ્ટીમાં 1.64% ના પ્રમાણમાં જોવાયો હતો. નિફ્ટીના 50માંથી 37, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 39, નિફ્ટી બેન્કના 12માંથી 5, નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 15 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 20 શેરો ઘટ્યાં હતા. સેન્સેક્સના 30માંથી 22 અને બેન્કેક્સના 10માંથી 5  શેરો ડાઉન હતા.  એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2917(2912) ટ્રેડેડ શેરોમાંથી 1055(637) વધ્યા, 1779(2200) ઘટ્યા અને 83(75) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 60(102) શેરોએ અને નવા લો 67(65) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 94(106) તો નીચલી સર્કીટે 107(112) શેરો ગયા હતા.

ખરાબ બજારમાં મજબૂતાઇ ક્યા શેરોમાં ?

ખરાબ બજારમાં ગુરૂવારની સરખામણીએ વધ્યા હોય, જે શેરોનો ભાવ રૂ. 50થી વધારે હોય અને જેમનો બંધ ભાવ 5 દિવસીય એકસ્પોનેન્શીયલ એવરેજથી ઉપર હોય, એ એવરેજ 15 દિવસની એવરેજથી, 15 દિવસની 30 દિવસથી, 30 દિવસની 60 દિવસથી, 60 દિવસની 100 દિવસથી અને 100 દિવસની એવરેજ 200 દિવસની એવરેજથી ઉપર હોય એવા શેરોને મજબૂત અંડરકરંટ વાળા ગણી શકાય. આ ક્રાયટેરિયામાં ખરા ઉતરતા અગ્રણી શેરોની એક યાદી આ મુજબ છે. કલકત્તા ઇલેક્ટ્રીસીટી સપ્લાય કું(સીઇએસસી) રૂ. 194, ફેડરલ બેન્ક રૂ. 193, એચસીએલ ટેક રૂ. 1776, હિન્દાલ્કો રૂ. 748, ઇપ્કા લેબ રૂ. 1492, એમસીએક્સ રૂ. 5805, સ્ટ્રાઇડ્સ સાસુન રૂ. 1453, થર્મેક્સ રૂ. 5182, ટોરંટ પાવર રૂ. 1890 અને વિપ્રો રૂ. 533.

કસોટીયુક્ત સપ્તાહમાં આ 7 સિતારાઓ ચમક્યાં

સમીક્ષા હેઠળનું સપ્તાહ ખરેખર કસોટીયુક્ત હતું. એવા બજારમાં કરોટીની એરણ પર ખરા ઉતરીને સાપ્તાહિક સુધારો નોંધાવનારા સાત સિતારાઓ આ રહ્યાઃ બાસ્ફ સપ્તાહમાં 12.63% સુધરી રૂ. 8182.95 બંધ રહ્યો હતો.શેર સર્વેલન્સ હેઠળ હોવા છતાં વધ્યો છે. ડ્રેજીંગ કોર્પોરેશન 9.31% ના સાપ્તાહિક સુધારા સાથે રૂ. 1030.40 બંધ રહ્યો. શેર બીઇ કેટેગરીમાં છે, જેથી 100 ટકા માર્જીનની શરત છે.

વ્હર્લપુલ ઇન્ડીયા 7.32% ના વીક્લી ગેઇને રૂ. 2362 થઇ ગયો

નેશનલ એલ્યુમિનીયમ (નાલ્કો) 6.43% સુધરી રૂ. 220.35 બંધ હતો. 27મી સપ્ટેમ્બરે મળેલી કંપનીની એજીએમની મિનટ્સ સ્ટોક એક્સચેન્જને ગુરૂવારે મોકલાઇ હતી. બોમ્બે ડાઇંગ 6.11% સાપ્તાહિક ધોરણે સુધરી રૂ. 226 રહ્યો હતો. ટાટા કેમિકલ્સ 5.76%ના વીક્લી ગેઇને રૂ. 1142 બંધ હતો. અને એમટીએનએલ 3.55% વધી રૂ. 54.84 બંધ હતો. છેલ્લા 8 ત્રિમાસિકમાં નુક્શાન કરતી આ કંપનીનો શેર પાંચ ટકાની પ્રાઇસ બેન્ડમાં છે.     

કાર નિર્માતા હ્યુન્ડાઇનો આગામી આઇપીઓ ભારતના સૌથી મોટા ઇનીશીયલ પબ્લીક ઓફરીંગનું બહુમાન ખાંટી જવાની પૂરી સંભાવના છે. કંપની તેનો 17.5% હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. હ્યુન્ડાઇ મોટર કંપનીએ તેના ભારતના એકમના આઇપીઓ માટે $ 17-19 બિલિયન મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડનું લિસ્ટિંગ 22 ઓક્ટોબર આસપાસ થવાની શક્યતા છે. હ્યુન્ડાઈને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળી ગઇ છે. તેનો આઈપીઓ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના રેકોર્ડને તોડશે. એલઆઇસીએ 2022માં આઇપીઓમાં 206 અબજ રૂપિયા ($2.5 બિલિયન) એકત્ર કર્યા હતા. હ્યુન્ડાઇનો રૂ. 25000 કરોડનો આઇપીઓ 14થી 16 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. રૂ. 10ની પેસ વેલ્યૂના 14,21,94,700 શેરોના આ આઇપીઓમાં મહત્તમ 35% રિટેલ, 50% ક્યુઆઇબી અને 15%  એનઆઇઆઇ ક્વોટા હશે. પ્રાઇસ બેન્ડ પછી જાહેર થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)