ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ ₹ 8.4 લાખ કરોડની સપાટીએ પહોંચી

અમદાવાદ, 28 માર્ચઃ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ – 2025માં “સૌથી મોટા વેલ્થ ગેનર ” તરીકે ઉભરી આવ્યા છે. ગુરુવારે હુરુન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. 62 વર્ષીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વાર્ષિક 13% વધીને 8.4 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેઓ ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને વૈશ્વિક સ્તરે 18મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગૌતમ અદાણી 2024 માં એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવી ચૂક્યા છે.

ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 284 થઈ ગઈ

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2025માં વિશ્વભરના 3,442 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અબજોપતિઓની સંખ્યામાં 5% નો અને તેમની કુલ સંપત્તિમાં 13% નો વધારો થયો છે. આ યાદીમાં 387 અબજોપતિઓનો ઉમેરો થયો છે, જેમાં 96 યુનાઇટેડ સ્ટેટ્સના અને 91 ચીનના છે, ત્યારબાદ 45 ભારતના છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 284 થઈ ગઈ છે, જે અગાઉ 271 હતી.

વૈશ્વિકસ્તરે 177 વ્યક્તિઓએ અબજોપતિનો દરજ્જો ગુમાવ્યોજેમાં ચીનનો હિસ્સો લગભગ અડધો-અડધ

હુરુનના પ્રકાશનમાં જણાવાયુ છે કે ભારતમાં HCL ગ્રુપના રોશની નાદર સૌથી ધનિક વ્યક્તિઓમાં ટોપ- 10 યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર અને પ્રથમ મહિલા બન્યા છે. તેમના પિતા શિવ નાદરે HCL કોર્પ.માં 47% હિસ્સો તેમને ટ્રાન્સફર કર્યો હતો. બીજી તરફ વૈશ્વિકસ્તરે 177 વ્યક્તિઓએ તેમનો અબજોપતિ તરીકેનો દરજ્જો ગુમાવ્યો છે, જેમાં ચીનનો હિસ્સો લગભગ અડધો-અડધ છે.

મુકેશ અંબાણીએ ભારતના સૌથી ધનિકોમાં સ્થાન જાળવી રાખ્યું

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર ભારતીય અબજોપતિઓની સામૂહિક સંપત્તિ ₹98 લાખ કરોડ જેટલી છે જે સાઉદી અરેબિયાના કુલ GDP કરતા પણ વધુ છે. ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો થયો હોવા છતાં, મુકેશ અંબાણીએ ભારતના સૌથી ધનિકોમાં સ્થાન જાળવી રાખ્યું છે.  રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હુરુન વિશ્વભરમાં સંપત્તિ, ઉદ્યોગસાહસિકતા અને ઈકોનોમિક ટ્રેન્ડ્સ પર કેન્દ્રિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે વૈશ્વિકસ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા તરીકે ઓળખ ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)