ગિફ્ટ સિટી અને TiE એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે MOU કર્યો
અમદાવાદ, 25 જૂન: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઇન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નેટવર્ક એવા TiE અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (જીઆઈએફટીસીએલ) વચ્ચે મંગળવારે એક સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે આ સહયોગથી અમે ટોચના ઉદ્યોહસાહસિકો અને બિઝનેસીસને ગિફ્ટ સિટીમાં આકર્ષી શકીશું જેનાથી અગ્રણી ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી સર્વિસીઝ હબ તરીકે અમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. TiE ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તથા ઇકોસિસ્ટમ ગ્રુપના ગ્રુપ સીઈઓ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી સાથે આ એમઓયુ કરતા અમે રોમાંચિત છીએ જે ક્ષમતા નિર્માણથી માંડીને નોકરીઓના સર્જન, આર્થિક વૃદ્ધિને વેગ આપવા તથા સમાજને અને અર્થતંત્રોના ઉત્થાન અને પરિવર્તન માટે નવીનતાઓ લાવવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
આ ઉપરાંત TiE તેના ચેપ્ટર્સ સાથે ગિફ્ટ સિટી અને તેના ઉદ્યોગસાહસિકો તેમજ ઉદ્યોગના અગ્રણીઓના વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ કરાવશે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે આંતરદ્રષ્ટિ તેમજ ભલામણો પૂરી પાડશે અને સંયુક્તપણે નોલેજ-શેરિંગ સેશન્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ અને બૂટ કેમ્પ્સનું આયોજન કરશે. બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે, અભ્યાસ તથા સંશોધનો બહાર પાડવા માટે સહયોગ કરશે અને ઉદ્યોગસાહસિકો તેમજ ભારતીય બજારમાં રસ ધરાવતા રોકાણકારોને લક્ષ્ય બનાવીને આઉટરિચ પ્રોગ્રામ્સ હાથ ધરશે.
એમઓયુના ભાગરૂપે સહયોગાત્મક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે ગિફ્ટ સિટી અને TiEના પ્રતિનિધિઓની એક જોઇન્ટ વર્કિંગ કમિટી પણ બનાવવામાં આવશે. આ કમિટી સમયાંતરે કામમાં પ્રગતિ અંગે ચર્ચા કરશે, પડકારોનું સમાધાન લાવશે તથા નવી તકો શોધશે. TiEના વિશાળ નેટવર્કને સાંકળીને ગિફ્ટ સિટી ખાતે વાર્ષિક આંત્રપ્રિન્યોરશિપ સમિટ પણ યોજવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)