GMDCનો નફો ત્રણ ગણો વધ્યો, અર્ધવાર્ષિક આવકો વધી રૂ. 1694.28 કરોડ થઈ
જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો
અમદાવાદ
ભારતમાં ખાણકામ કરતી જાહેર ક્ષેત્રની અગ્રણી એન્ટરપ્રાઇઝમાં સામેલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૩૦મી સપ્ટેમ્બર, 2૦22ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 150.62 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે 41.13 કરોડ સામે ત્રણ ગણો વધ્યો છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગતવર્ષે રૂ. 40.45 કરોડ સામે વધી રૂ. 151.22 કરોડ થયો છે.
કુલ આવકો વધી રૂ. 591.70 કરોડ થઈ છે. ગતવર્ષે 494.30 કરોડ હતી. શેરદીઠ કમાણી ત્રણ રૂપિયા વધી રૂ. 4.74 થઈ છે.
કંપનીની નાણાકીય કામગીરી પર GMDCના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, “નક્કી કરેલી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાં કંપનીએ એકંદરે નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે તમામ હિતધારકો માટે લાભદાયી છે. અમે રોકાણકારોને આપેલું વચન ફળીભૂત કરવાના માર્ગ પર છીએ. કંપનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને નાણાકીય અહેવાલના આંકડાઓના કંપનીએ હિતધારકોને થયેલા લાભને પ્રતિબિંબિત કરે છે.
અમારા રોકાણકારોને ખાતરી આપી શકું છું કે અમે અમારા પાવર સેગમેન્ટને સંપૂર્ણપણે તબદીલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે GMDCને ઓપરેશનલ કાર્યક્ષમતા, ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન દ્વારા દ્વારા વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
પાવર સેગમેન્ટે H1FY22 માં ૩95.41 મિલિયન યુનિટ(MU) ઉત્પાદનની સામે H1FY2૩ માં 595.65 મિલિયન યુનિટ(MU) ઉત્પાદન કરી કુલ 51% ની વૃદ્ધિ નોંધાવી છે.
શેર 5 ટકા ઉછળ્યો
આકર્ષક પરિણામોના પગલે બીએસઈ ખાતે આજે જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો. અંતે 0.78 ટકા વૃદ્ધિ સાથે 142.45 પર બંધ રહ્યો હતો.
GMDC ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરિણામ એક નજરે
વિગત | ત્રિમાસિક | ત્રિમાસિક | અર્ધવાર્ષિક | અર્ધવાર્ષિક |
સપ્ટે-22 | સપ્ટે-21 | H1-23 | H1-22 | |
ચોખ્ખો નફો | 151.22 | 40.45 | 495.52 | 78.66 |
કુલ આવકો | 591.70 | 494.30 | 1694.28 | 950.21 |
ઈપીએસ | 4.74 | 1.27 | 15.60 | 12.74 |