Gold And Silver Rates: સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ.2,269 અને ચાંદીમાં રૂ. 5,825નો કડાકો
સોના-ચાંદી બજારની સ્થિતિ
વિગત | એક માસમાં કડાકો | છેલ્લો બંધ ભાવ |
સોનું | 1850 | 59400 |
ચાંદી | 3000 | 71500 |
Gold (MCX) | 2269 | 57105 |
Silver (MCX) | 5599 | 69857 |
મુંબઈ, 3 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા એક માસથી મંદી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ. 2269 અને ચાંદીનો વાયદો રૂ. 5825 તૂટ્યો છે.
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,28,904 સોદાઓમાં રૂ.2,44,305.6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,296ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,665 અને નીચામાં રૂ.57,026 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,269 ઘટી રૂ.57,105ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,363 ઘટી રૂ.46,766 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.168 ઘટી રૂ.5,777ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,307 ઘટી રૂ.57,061ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,748ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,614 અને નીચામાં રૂ.69,754ના સ્તરને સ્પર્શી, અંતે રૂ.5,825 ઘટી રૂ.69,857ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,634 ઘટી રૂ.69,995 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,599 ઘટી રૂ.70,021 ના સ્તરે બંધ થયો હતો.
સ્થાનિક બજારમાં સોના-ચાંદી સસ્તા થયાં
અમદાવાદ ખાતે સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદી બજારમાં શુષ્ક માહોલ જોવા મળ્યો છે. સોનાનો ભાવ સપ્ટેમ્બરમાં 10 ગ્રામ દીઠ રૂ. 1850 ઘટ્યો છે. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 3000 તૂટી છે. ફેડ દ્વારા વધુ એક વખત વ્યાજદરમાં વધારો થવાની શક્યતાઓને પગલે ડોલર મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. પરિણામે વૈશ્વિક બજારોમાં સોના-ચાંદી સાત માસના તળિયે પહોંચ્યા છે. જેની અસર સ્થાનિક બજારો પર જોવા મળી છે. બીજી બાજુ સ્થાનિક સ્તરે ગણેશ ચતુર્થી, શ્રાદ્ધ પક્ષ બાદ નવરાત્રીથી શરૂ થઈ રહેલી તહેવારોની સિઝનમાં માગ અને ખરીદી વધવાના આશાવાદ સાથે માર્કેટ તેજીનું રહેવાની શક્યતા છે.
ઓપ્શન્સ ટ્રેડિંગ વોલ્યૂમઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.2016478.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.125807.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33383.07 કરોડનાં કામ થયાં હતાં.