ગ્રોએ SEBIમાં પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ગ્રો (Groww)ની પેરેન્ટ કંપની બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સે અંદાજિત રૂ. 7,000 કરોડ એકત્રિત કરવાના હેતુથી IPO માટે બજાર નિયામક સેબીમાં તેના અપડેટેડ ડ્રાફ્ટ પેપર્સ મંગળવારે ફાઇલ કર્યા હતા, IPOમાં રૂ. 1,060 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર્સ તથા ઇન્વેસ્ટર શેરહોલ્ડર્સ દ્વારા 57,41,90,754 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે એમ ફાઇલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)માં જણાવાયું હતું.
OFS નો હિસ્સો રૂ. 5,000-6,000 કરોડની રેન્જમાં હોવાની શક્યતા છે. આ સાથે કંપની 9 મિલિયન યુએસ ડોલરનું વેલ્યુએશન ઇચ્છી રહી છે. ગ્રોના સ્થાપકો કંપનીનો 27.97 ટકા હિસ્સો ધરાવે છે અને લિસ્ટિંગના સમયે 1.5 વર્ષ માટે 20 ટકાના લૉક-ઇન સાથે કંપનીના પ્રમોટર્સ તરીકે ફાઇલિંગ કર્યું છે. આઈપીઓમાં તેઓ કંપનીના કુલ શેર્સ પૈકી માત્ર 0.07 ટકા જ વેચવાની ઓફર કરી રહ્યા છે.
ફ્રેશ ઇશ્યૂ પૈકી રૂ. 225 કરોડનો બ્રાન્ડ બિલ્ડિંગ અને પર્ફોર્મન્સ માર્કેટિંગ પ્રવૃત્તિઓ પાછળ અને રૂ. 205 કરોડનું એનબીએફસી કંપની ગ્રો ક્રેડિટસર્વ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (GSC)માં તેના મૂડી આધારને વધારવા માટે રોકાણ કરાશે.
ગ્રો ઇન્વેસ્ટ ટેક પ્રાઇવેટ લિમિટેડ (GIT) ને તેના માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) બિઝનેસને ફંડ પૂરું પાડવા માટે રૂ. 167.5 કરોડનું રોકાણ કરવામાં આવશે, જ્યારે રૂ. 152.5 કરોડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. બાકીની રકમનો ઉપયોગ હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
ઓફરિંગને મેનેજ કરવા માટે ગ્રોએ જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝ લિમિટેડની સેવાઓ લીધી છે.
2016માં સ્થપાયેલી ગ્રો 18 મિલિયનથી વધુ એક્ટિવ ગ્રાહકો સાથે ભારતના સૌથી મોટા સ્ટોક બ્રોકર તરીકે ઉભરી આવી છે. ગ્રો 26.27 ટકા બજાર હિસ્સો ધરાવે છે. નાણાંકીય વર્ષ 2025માં સ્ટોક બ્રોકિંગ ફર્મે રૂ. 1,824 કરોડનો નફો નોંધાવ્યો હતો જ્યારે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં તેનો નફો રૂ. 378 કરોડ હતો. તેણે 85 ટકાનું ઉદ્યોગનું સર્વોચ્ચ કોન્ટ્રિબ્યુશન માર્જિન અને 44 ટકાના ચોખ્ખા નફા માર્જિન જાળવી રાખ્યું છે, જે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર મોડેલ દર્શાવે છે. તેના 80 ટકાથી વધુ નવા ગ્રાહકો ઓર્ગેનિક રીતે મેળવેલા છે, અને તેનો ત્રણ વર્ષનો રીટેન્શન રેટ 77 ટકા છે.
નાણાંકીય વર્ષ 2025માં ગ્રોએ રૂ. 34,000 કરોડનો SIP ઇનફ્લો મેળવ્યો હતો, જે ઉદ્યોગના કુલ રોકાણના 11.8 ટકા છે, ફક્ત જૂન 2025માં, ભારતમાં દર ત્રણમાંથી એક નવી એસઆઈપી તેના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી હતી. કંપનીએ તાજેતરમાં વેલ્થ મેનેજમેન્ટ, કોમોડિટીઝ, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી અને શેર સામે લોનમાં વિસ્તરણ કર્યું છે, જે તેની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો ભાગ છે.
