અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને રાહત આપવાનો, નાના વ્યવસાયોને ટેકો આપવાનો અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેનો ઉપયોગ ઘટાડવાનો છે.

GST કાઉન્સિલની બેઠકના મુખ્ય મુદ્દાઓ

કપડાં અને શૂઝ : 2,500 રૂપિયા સુધીના જૂતા અને કપડાં પરનો GST દર ઘટાડીને 5% કરી શકાય છે, જેનાથી ગ્રાહકો માટે આ વસ્તુઓ સસ્તી થશે.

MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ઝડપી નોંધણી: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને સ્ટાર્ટઅપ્સ માટે GST નોંધણી માટે લાગતો સમય 30 દિવસથી ઘટાડીને ફક્ત 3 દિવસ કરવામાં આવ્યો છે.

નિકાસકારો માટે ઓટોમેટિક રિફંડ: નિકાસકારોને હવે ઓટોમેટિક GST રિફંડ મળશે. આ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેમનું કામ સરળ બનશે.

આરોગ્ય વીમો અને જીવનરક્ષક દવાઓ સસ્તી : GST કાઉન્સિલે વીમા પ્રીમિયમ દર ઘટાડવા સંમતિ આપી છે, જેનાથી આરોગ્ય વીમો લેવાનું સસ્તું થશે. આ સાથે જીવનરક્ષક દવાઓ પરના GST દર પણ ઘટાડવાની અપેક્ષા છે.

ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગનો પ્રસ્તાવ: GST કાઉન્સિલે ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ રજૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી GST સંબંધિત નિયમોનું પાલન કરવાનું વધુ સરળ બનશે.

લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વધશે: 20 લાખ રૂપિયાથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર GST દર 5% થી વધીને 18% થઈ શકે છે.