અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં સ્થાપિત નાના અને મધ્યમ કદના (MSMEs) ફાર્માસ્યુટિકલ એકમો હાલમાં સરકારના સતત જારી થતા રેગ્યુલેટરી સર્ક્યુલર(નિયમનકારી પરિપત્રો) થી તોબા પોકારી ઉઠ્યા છે. રોજે-રોજ નવા પરિપત્રોથી ઉત્પાદન કામગીરી પ્રભાવિત થઇ રહી છે તેમજ પડતર ખર્ચ પણ વધી રહ્યો છે. ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA) એ ચેતવણી આપી છે કે, સતત વધતા નિયમનકારી બોજને કારણે ગુજરાતમાં નાના અને મધ્યમ કદના (MSMEs) ફાર્માસ્યુટિકલ એકમોના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે તેમજ મોટી સંખ્યામાં એકમો બંધ થઈ શકે છે. એસોસિએશનને ચિંતા વ્યક્ત કરી છે કે, યુનિટ્સ બંધ થવાથી ફાર્માની નિકાસ પર વિપરીત અસર પડશે અને આ ઉદ્યોગ ઉપર નિર્ભર લાખો લોકોના રોજગાર સામે સંકટ ઊભું થશે. સંસ્થાએ આ ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક ધોરણે સરકારના રાહતરૂપી હસ્તક્ષેપની માંગણી કરી છે.

30 થી વધુ ફાર્મા એસોસિએશનો (DMMA, ફેડરેશન ઓફ ફાર્મા આંત્રપ્રિન્યોર્સ, લઘુ ઉદ્યોગ ભારતી, હિમાચલ (HDMA), હરિયાણા, કર્ણાટક, વગેરેના રાજ્ય સંઘો) એ સંયુક્ત રીતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ને ફાર્મા MSMEs ને નિયમનકારી પરિપત્રોથી રાહત આપવા અપીલ કરી છે. તેમણે ખાસ કરીને GSR 327 (E) હેઠળ બાયો-ઇક્વિવેલન્સ સ્ટડીઝ લાગુ કરવાના તાજેતરના નિર્દેશને પાછો ખેંચી લેવાના સંબંધમાં અનેક પડકારોને રેખાંકિત કરીને ડિટેલ રિપોર્ટ સાથે રજૂઆત કરી છે. પ્રત્યેક BA/BE સ્ટડીનો ખર્ચ પ્રતિ પ્રોડક્ટ ₹20-40 લાખ છે અને MSMEs પાસે ડઝનબંધ ફોર્મ્યુલેશન હોઈ શકે છે. આને કારણે અનુપાલન આર્થિક રીતે અવ્યવહારુ બને છે, કેમ કે, સત્તાવાર રીતે સૂચિત ઉત્પાદનોનો અભાવ, અભ્યાસનો ઊંચો ખર્ચ અને નૈતિક ચિંતાઓ એ વાસ્તવામાં, નાના એકમો માટે અનુપાલનને અવ્યવહારુ અને અશક્ય બનાવે છે. જો આ એકમોને તાત્કાલિક રાહત નહીં આપવામાં આવે. તો હજારો એકમો પડી ભાંગશે, જેના કારણે દેશભરમાં દવાની અછત સર્જાવાની ભીતિ છે. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યુ હતું કે, સતત નિયમોમાં ફેરફાર અને કડક અનુપાલનની માંગને કારણે ભારતની “વિશ્વની ફાર્મસી” તરીકેની પોજીશન અસ્થિર થવાનો ભય છે.

એસોસિએશને સતત નિયમનકારી પરિપત્રો જારી કરવાની પ્રક્રિયાને સમાપ્ત કરવાની માંગણી કરી છે, કારણ કે તેને લીધે પરિચાલન કામગીરી અવરોઘિત થાય છે અને પડતર ખર્ચ પણ વધે છે. એસોસિએશને 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવનાર સુધારેલા શેડ્યૂલ M (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) આવશ્યકતાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે, MSME ક્ષેત્રના વાંધાઓને ધ્યાનમાં લીધા વિના સૂચિત કરવામાં આવેલા વિસ્તૃત અવકાશ અને ખર્ચાળ અપગ્રેડ, 4 થી 5 હજાર એકમોને બંધ કરવાની ફરજ પાડી શકે છે. તેમાં માંગ કરવામાં આવી હતી કે, 50 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે સમયમર્યાદા એપ્રિલ, 2027 સુધી લંબાવવામાં આવવી જોઇએ.

ગુજરાતમાં આશરે 3000 ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમો કાર્યરત છે, જેમાંથી 90% થી વધુ MSME છે. આ એકમો ભારતના ફાર્માસ્યુટિકલ ટર્નઓવરનો ત્રીજો ભાગ અને નિકાસનો 28% હિસ્સો ધરાવે છે. DMMA એ જણાવ્યું હતું કે, આ એકમોએ કોવિડ-19 રોગચાળા સહિતના સંકટ દરમિયાન પણ સતત કામ ચાલુ રાખીને દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો.

જો રાહત નહીં આપવામાં આવે, તો MSME સંગઠનો દ્વારા 2 દિવસના દેશવ્યાપી બંધ/ફાર્મા ઉત્પાદનમાં હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)