Hindustan Zincએ શેરદીઠ રૂ. 6 પેટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શેર 2 ટકા ઉછળ્યો
અમદાવાદ, 6 ડિસેમ્બરઃ હિન્દુસ્તાન ઝિંકે ચાલુ નાણાકીય વર્ષનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની શેરદીઠ રૂ. 6 પેટે ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 2535.19 કરોડની રકમ પ્રતિ શેર રૂ. 2ની ફેસ વેલ્યુ પર 300 ટકા ડિવિડન્ડ દર્શાવે છે.
હિન્દુસ્તાન ઝિંકે 6 ડિસેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 6ના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. જેની રેકોર્ડ તારીખ 14 ડિસેમ્બર, 2023 નિર્ધારિત કરવામાં આવી છે. અગાઉ જુલાઈમાં તેણે રૂ. 7ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
રેકોર્ડ તારીખનો અર્થ એ છે કે જે શેરધારકો તે ચોક્કસ તારીખે કંપનીના શેર ધરાવે છે તેઓ ડિવિડન્ડ ચૂકવણી માટે પાત્ર હશે.
હિંદુસ્તાન ઝિંકે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ રૂ. 6 ના બીજા વચગાળાના ડિવિડન્ડ માટે રૂ. 2535.19 કરોડની રકમ ચૂકવશે. ઉલ્લેખનીય છે કે, વેદાંતા હિન્દુસ્તાન ઝિંકમાં 64.92 ટકા (274 કરોડ રૂપિયાના શેર) હિસ્સો ધરાવે છે. જેના ભાગરૂપે વેદાંતાને કુલ રૂ. 1645 કરોડની આવક ડિવિડન્ડમાંથી થશે.
આજે બીએસઈ ખાતે હિન્દુસ્તાન ઝિંકનો શેર 2.21 ટકા ઉછાળા સાથે 331.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 10.30 વાગ્યે 0.22 ટકા સુધારા સાથે 325.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિંકના શેરએ ચાલુ કેલેન્ડર વર્ષના જાન્યુઆરી માસમાં 383ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ ઘટી એક તબક્કે 290.55 થયો હતો. જો કે, આ વાર્ષિક બોટમથી શેર સુધર્યો છે.
Hindustan Zincનું સૌથી ઓછુ ડિવિડન્ડ
2018 પછી કંપની દ્વારા જારી કરાયેલ આ સૌથી ઓછું ડિવિડન્ડ છે. ઉલ્લેખનીય છે, આ બોર્ડ મીટિંગ અને રેકોર્ડ ડેટ વેદાંતાની દેવાની ચુકવણીની સમયમર્યાદા પહેલાં નિર્ધારિત કરી છે. વેદાંતાએ જાન્યુઆરી 2024માં $1 અબજની ચૂકવણી કરવાની છે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યારે દેવાની ચુકવણીની વાત આવે છે, ત્યારે કંપની પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે.