ગીરના એશિયાટિક સિંહો પર બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત
અમદાવાદ, ઓગસ્ટ 3: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું. ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. નવું નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગે કર્યું છે. આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ના લેખક નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે. નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે.