અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ભારત સરકારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને દેશની અંદર ગેરકાયદેસર ગણાતા ઓફશોર અર્થાત વિદેશી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં Binance, Kucoin, Huobi, Kraken અને Bitfinex સહિત નવ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ સમાવિષ્ટ છે. નાણા મંત્રાલયે એ પણ જાહેર કર્યું છે કે 31 ક્રિપ્ટો સેવા પ્રદાતાઓએ દેશના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટમાં આજની તારીખમાં નોંધણી કરાવી છે.

ભારતના નાણા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા (FIU IND) એ નવ ઑફશોર ક્રિપ્ટો સેવા પ્રદાતાઓને “કમ્પ્લાયન્સ શો-કોઝ નોટિસ” જારી કરી છે. ભારત સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PML) એક્ટની જોગવાઈઓ હેઠળ માર્ચમાં ક્રિપ્ટો સેવા પ્રદાતાઓને દેશના એન્ટી મની લોન્ડરિંગ/કાઉન્ટર ફાઇનાન્સિંગ ઑફ ટેરરિઝમ (AML-CFT) માળખાના દાયરામાં લાવ્યા હતા.

કેન્દ્ર સરકારે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ અને લાભ-નુકસાન પર 30 ટેક્સ અને TDS લાગૂ કર્યા બાદ 70 ટકા ભારતીય ક્રિપ્ટો રોકાણકારો વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ તરફ ડાયવર્ટ થયા હતા. જે ટેક્સ સિસ્ટમનું ઉલ્લંઘન સમાન છે. પરિણામે વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જીસ પર પ્રતિબંધ લાગૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયથી ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ પર યુઝર્સની સંખ્યા વધશે.

નવ ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઈડર Binance, Kucoin, Huobi, Kraken, Gate.io, Bittrex, Bitstamp, MEXC Global, અને Bitfinexને નોટિસ પાઠવવામાં આવી છે.

ડાયરેક્ટર FIU IND એ ભારતમાં PML એક્ટની જોગવાઈઓનું પાલન કર્યો વિના ગેરકાયદેસર રીતે કામ કરતી કંપનીઓના URL ને બ્લોક કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સચિવને પત્ર લખ્યો છે.

ભારતમાં કાર્યરત તમામ ક્રિપ્ટો સેવા પ્રદાતાઓએ FIU IND સાથે રિપોર્ટિંગ એન્ટિટી તરીકે નોંધણી કરાવવી જરૂરી છે અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002 દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે.

નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે 31 ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઈડર FIU IND સાથે આજની તારીખમાં રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. આ મહિનાની શરૂઆતમાં, ભારત સરકારે સંસદને 28 ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઈડરની યાદી જારી કરી હતી. જેમાં Coindcx, Unocoin, Giottus, Bitbns, Zebpay, Wazirx, Coinswitch, Mudrex, Buyucoin, Pyor, Valr અને બાયટેક્સ સામેલ હતા.