અમદાવાદ, 13 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના ગઈકાલે આરકે સ્વામીના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે વધુ એક આઈપીઓએ ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. જેજી કેમિકલ્સનો આઈપીઓ ઈશ્યૂ આજે એનએસઈ ખાતે 5.43 ટકા અને બીએસઈ ખાતે 4.52 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. રૂ. 221ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે રૂ. 211 અને એનએસઈ ખાતે 209ના સ્તરે લિસ્ટેડ થયો હતો.

નિષ્ણાતોને જેજી કેમિકલ્સના શેર 230-237ની રેન્જમાં લિસ્ટ થવાની અપેક્ષા હતી.

બીએસઈ ખાતે ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 213.75ની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જો કે, બાદમાં સતત ઘટાડો નોંધાતા 15 ટકાથી વધુ તૂટી 187ની બોટમ નોંધાવી હતી. 1 વાગ્યે 13.89 ટકા ડિસ્કાઉન્ટે 190.30 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારના ખરાબ માહોલના પગલે જેજી કેમિકલ્સના ગ્રે પ્રીમિયમ પણ ઘટી રૂ. 5 (2 ટકા) થયા હતા. એકંદરે, JG કેમિકલ્સના IPOને તેના રિટેલ અને બિન સંસ્થાકીય રોકાણકારો (NII) તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. બીએસઈના ડેટા મુજબ છેલ્લા દિવસે 27.78 ગણો ભરાયો હતો. રિટેલ પોર્શન 17.44 ગણો, NII પોર્શન 46.33 ગણો બુક થયો હતો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) પોર્શન 32.09 ગણો સબ્સક્રાઈબ થયો હતો.

5થી 7 માર્ચ દરમિયાન યોજાયેલા જેજી કેમિકલ્સના આઈપીઓએ રૂ. 221ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 251.19 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર, ઉત્પાદન અને આવક બંનેની દ્રષ્ટિએ, JG કેમિકલ્સ એ ઝીંક ઓક્સાઇડનું ભારતનો સૌથી મોટો ઉત્પાદક છે. આઈપીઓ હેઠળ ₹165 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને ₹10ના ફેસ વેલ્યુના 3,900,000 ઈક્વિટી શેરના ઑફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય ₹86.19 કરોડ છે.

જેજી કેમિકલ્સના આઈપીઓએ એન્કર ઈન્વેસ્ટર પાસેથી કુલ રૂ. 75.36 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. આઈપીઓ ફંડનો ઉપયોગ કંપની દ્વારા નીચેના હેતુઓ માટે કરવામાં આવશે: મટિરિયલ સબસિડિયરી, BDJ ઑક્સાઈડ્સમાં રોકાણ; (i) સામગ્રી પેટાકંપનીએ લીધેલા તમામ અથવા કેટલાક ઉધારોની ચુકવણી અથવા પૂર્વચુકવણી; (ii) નાયડુપેટામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના માટે જરૂરી મૂડી ખર્ચ માટે ધિરાણ; અને (iii) કંપનીની વિસ્તૃત કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ધિરાણ આપવા કરશે.