IPO Listing: પ્રાઈમરી માર્કેટમાં સતત ત્રીજા આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, Gopal Snacks IPOનું 13 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ
અમદાવાદ, 14 માર્ચઃ સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટના સતત ત્રીજા આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવ્યું છે. આરકે સ્વામી, જેજી કેમિકલ્સ બાદ આજે ગોપાલ સ્નેક્સના આઈપીઓએ 12.72 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 401ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 350ના સ્તરે લિસ્ટેડ થયા બાદ તુરંત ઘટી 342ની બોટમ નોંધાવી હતી. જો કે, બાદમાં વધી 384.95ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 11.42 વાગ્યે 7.44 ટકા ડિસ્કાઉન્ટે 371.15ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો.
ગ્રે માર્કેટમાં ગોપાલ સ્નેક્સના આઈપીઓ માટે પ્રીમિયમ શૂન્ય થયા છે. અગાઉ રૂ. 25થી 35 સુધી પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. પરંતુ બે આઈપીઓના નેગેટિવ લિસ્ટિંગ અને માર્કેટની સ્થિતિને ધ્યાનમાં લેતાં ગ્રે પ્રીમિયમ શૂન્ય થયા હતા.
6થી 11 માર્ચે યોજાયેલા ગોપાલ સ્નેક્સનો આઈપીઓ ઈશ્યૂ કુલ 9.50 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 18.42 ગણો, એનઆઈઆઈ 10 ગણો અને રિટેલ 4.22 ગણો ભરાયો હતો. એમ્પ્લોયી પોર્શન 7.27 ગણો સબ્સક્રાઈબ થયો હતો. કંપનીએ રૂ. 401ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 650 કરોડનું ફંડ એકત્રિત કર્યુ હતું.
ગોપાલ એગ્રીપ્રોડક્ટ્સ, બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હડવાણી, દક્ષાબેન બિપિનભાઈ હડવાણી કંપનીના પ્રમોટર્સ છે. કંપની ગોપાલ બ્રાન્ડ હેઠળ વિશાળ રેન્જની ખાદ્ય ચીજોનું વેચાણ કરે છે. જે ઝડપથી ઉભરતી એફએમસીજી કંપની તરીકે પ્રચલિત બની છે. કંપની સોનપાપડી, પાપડ, મસાલા, નુડલ્સ, વેફર્સ, સેવ-ગાંઠિયા, સહિત વિવિધ નમકીન અને નાસ્તાઓનું મોટાપાયે વેચાણ કરે છે.
માર્કેટ નિષ્ણાતોના મતે, એફએમસીજી સેગમેન્ટમાં ખાસ કરીને નમકીન અને રેડી ટુ ઈટ પેકેજ્ડ ફૂડ્સમાં ટોચનુ સ્થાન ધરાવે છે. જે ફંડામેન્ટલી પણ મજબૂત સ્થિતિ સાથે આગળ વધી રહી છે. મધ્યમથી લાંબાગાળાના રોકાણકારો માર્કેટમાં સુધારો થાય ત્યાં સુધી રાહ જોઈ શકે છે. શેરનો પીઈ રેશિયો નીચો હોવાથી વૃદ્ધિની તકો વધુ છે. તેમજ ઘટતા બજારે ગોપાલ સ્નેક્સના શેરમાં ખરીદી કરી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)