• 2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ

આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં તેમાં 17 ટકાથી વધુનો વધારો થયો છે. જે છેલ્લા 16 માસનું બેસ્ટ પ્રદર્શન ગણાવી શકાય. વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધી આઈટીસીના શેરમાં 22.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ 2020 પછી જોવા મળેલી સાર્વત્રિક તેજીની ચાલમાં પણ આઇટીસી સુસ્ત રહ્યો હતો. પરંતુ ચાલુુ કેલેન્ડર 2022માં આ સિગરેટ- એફએમસીજી કંપનીના શેર્સમાં ઝાકમઝોળ તેજી જોવા મળી છે. નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આ શેરને બોનસ કેન્ડિડેટ ગણાવી રહ્યા છે.

પ્રતિસ્પર્ધી ઘટ્યા, આઇટીસી વધ્યો

આઇટીસીના પ્રતિસ્પર્ધીઓ ગોદરેજ કન્ઝ્યુમરના શેરમાં માર્ચમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નેસ્લે ઈન્ડિયા 3 ટકા ઘટ્યો છે, હિન્દુસ્તાન યુનિલિવર પણ 8 ટકા ઘટ્યો છે. તો ડાબર ઈન્ડિયા લગભગ 7.6 ટકા અને મેરિકો 5.4 ટકા ઘટ્યા છે.

રૂચી સોયામાં ત્રણ મહિના માટે રૂ. 1,000નો ટારગેટ

રૂચી સોયાનો એફપીઓ શુક્રવારે મજબૂત પ્રીમિયમ સાથે લિસ્ટ થયો. એનએસઈ આજે 855 રૂપિયા પર ખૂલ્યો હતો. જ્યારે બીએસઈ (BSE) પર 850ના સ્તર પર ખૂલ્યો હતો. તેને ધ્યાનમાં લેતાં એવું કહી શકાય કે, એફપીઓમાં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ 30 ટકાનું તગડું રિટર્ન મળી રહ્યું છે. જીસીએલ સિક્યોરિટીઝના અહેવાલ અનુસાર રોકાણકારોએ 50 ટકા પ્રોફિટ બુક કરવો અને ત્રણ મહિનામાં રૂ. 1,000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવાની સલાહ આપી છે. આ સાથે ઇનવેસ્ટર્સને 740 રૂપિયાનો સ્ટૉપલોસ રાખવાના પણ સલાહ અપાઇ છે.