અમદાવાદ, 3 નવેમ્બરઃ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ટોચની કંપની સુઝલોન એનર્જીએ 30 સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત નફો નોંધાવતા આજે શેર 5 ટકા સર્કિટ સાથે નવ વર્ષની ટોચે પહોંચ્યો છે. બીએસઈ ખાતે સુઝલોન એનર્જીનો શેર રૂ. 34.44ની સપાટીએ પહોંચ્યો છે. જે 2014માં 36.80 રૂપિયા હતો.

કંપનીએ ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સુધારાના કારણે ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 79 ટકા વધી રૂ. 102 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 56.47 કરોડ હતો. બીજી બાજુ કામગીરીમાંથી આવક ઘટી 1417 કરોડ થઈ છે. જે ગતવર્ષે 1430 કરોડ હતી. EBITDA રૂ. 224 કરોડ અને માર્જિન 15.8 ટકા રહ્યા હતા.

સુઝલોન એનર્જી ગ્રૂપના વાઇસ ચેરમેન ગિરીશ તાંતીએ જણાવ્યું હતું કે, “આ ક્વાર્ટર દરમિયાન ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનને વેગ આપતી નીતિઓનો ટેકો મળ્યો છે. જેમ કે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ માટે નક્કર માર્ગદર્શિકા, સ્ટોરેજ સિસ્ટમ્સ, ગ્રીન હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ અને ઑફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાની વ્યૂહરચના પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય માળખું સહિતની નીતિઓના કારણે પર્ફોર્મન્સમાં સુધારો નોંધાયો છે.”

સુઝલોન એનર્જી શેર પર બાય રેટિંગ

બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ એ સુઝલોન એનર્જી પર રૂ. 37 ના લક્ષ્ય ભાવ સાથે તેનું ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું હતું. જેએમ ફાઈ.ના મતે FY23-26E દરમિયાન સુઝલોન અનુક્રમે 38% અને 43%ની આવક અને EBITDA CAGR નોંધે તેવી અપેક્ષા સાથે મજબૂત ઓર્ડર ફ્લો, બહેતર મટિરિયલાઈઝેશન અને બહેતર ઉત્પાદન પોર્ટફોલિયોને કારણે FY25E/26E માટે અંદાજોમાં સુધારો કર્યો છે.

આ વર્ષે સુઝલોનનો શેર 222 ટકા વધ્યો

છેલ્લા સાત-આઠ વર્ષથી મંદીનો સામનો કરી રહેલા સુઝલોનના શેર માટે 2023નું વર્ષ ફળદાયી રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સુઝલોનનો શેર 222 ટકા વધ્યો છે. જે 1 જાન્યુઆરી, 2023ના રોજ 10.67ના સ્તરે ખૂલ્યા બાદ આજે 34.44 પર ટ્રેડ થઈ રહ્યો છે. સુઝલોન એનર્જીનો શેર રૂ.40ના સ્તરે વધે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)