અમદાવાદ, 20 માર્ચઃ શક્તિ પમ્પસે રૂ. 200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યા બાદ આજે શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. QIP ઇશ્યૂની ફ્લોર પ્રાઇસ શેર દીઠ રૂ. 1,272.09 નક્કી કરવામાં આવી છે, જે આગલા દિવસના બંધ ભાવ સામે 5 ટકા ડિસ્કાઉન્ટ છે. શક્તિ પમ્પસે 4.60 ટકા ઘટાડે 1307.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP)એ ભારતમાં લિસ્ટેડ કંપનીઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્સ્યોરન્સ કંપનીઓ, બેન્કો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) જેવા લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs)ને સિક્યોરિટીઝ ઈશ્યૂ કરીને મૂડી એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી ભંડોળ ઊભું કરવાની પદ્ધતિ છે.

QIP કંપનીઓને જાહેર ઓફર જેવી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા વિના ભંડોળ ઊભું કરવા માટે ઇક્વિટી શેર, સંપૂર્ણ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અથવા વોરંટ અથવા કન્વર્ટિબલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિવાયની કોઈપણ સિક્યોરિટી ઇશ્યૂ કરવાની મંજૂરી આપે છે.

અગાઉના સત્રમાં NSE પર શક્તિ પમ્પ્સનો શેર 1.59 ટકા વધી રૂ. 1,365.00 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટીના 28 ટકાના રિટર્નની સરખામણીએ શેરે છેલ્લા એક વર્ષમાં 230 ટકાથી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં, શક્તિ પંપને PM-KUSUM યોજનાના ઘટક-B હેઠળ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 3,500 સોલાર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પિંગ સિસ્ટમ (SPWPS) માટે મહારાષ્ટ્ર એનર્જી ડિપાર્ટમેન્ટ એજન્સી (MEDA) તરફથી રૂ. 93-કરોડનો વર્ક ઓર્ડર મળ્યો હતો.

ઓર્ડરમાં ડિઝાઇન, ઉત્પાદન, સપ્લાય, ટ્રાન્સપોર્ટ, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે અને વર્ક ઓર્ડર જારી થયાની તારીખથી 120 દિવસમાં પૂર્ણ કરવાનો છે. શક્તિ પમ્પ્સનો શેર 2 ફેબ્રુઆરી, 2024ના રોજ 1599.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે તેના વાર્ષિક બોટમ રૂ. 388.70 સામે ત્રણ ગણાથી વધુ ઉછાળો દર્શાવે છે.