GCMMFના ચેરમેન શામળભાઇ બી પટેલ અને વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલની સર્વાનુમતે થયેલી વરણી

અમદાવાદઃ ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે  શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે  વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનની ચુંટણીમાં ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવી છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.

અમૂલ ફેડરેશન ભારતની રૂા.૪૬,૪૮૧ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો ધ્વારા રાજયના ૧૮,૧૫૪ થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૬૪ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

  શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સાબરડેરીના ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૩ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂા. ૬૮૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજયના મોટા દૂધ ઉત્પાદક સંઘમાંનો એક એકમ છે.

 વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સરહદ ડેરીના ચેરમેન તરીકે ૧૪ વર્ષથી કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂા.૮૭૦ કરોડથી વધુ ટર્નઓવર કરેલ તથા લગભગ ૧ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલ છે.