SME IPO Return: નવ માસમાં લિસ્ટેડ 120 આઈપીઓમાંથી 92માં પોઝિટીવ રિટર્ન, 37માં ટ્રિપલ ડિજિટ ઉછાળો
- છેલ્લા 4 વર્ષ બાદ એસએમઈ આઈપીઓમાં તેજી
- 136 એસએમઈએ આઈપીઓ હેઠળ રૂ. 3457.62 કરોડનું ફંડ એકત્રિત કર્યું
લિસ્ટિંગ બાદ રિટર્ન આપવામાં એસએમઈ આઈપીઓ અંતે ખરા ઉતર્યા
અમદાવાદ, 2 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટમાં 2017-18 બાદ ફરી પાછું આઈપીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. પરંતુ તે સમયે રિટર્ન આપવામાં મોટાભાગની એસએમઈ નિષ્ફળ રહેતાં છેલ્લા 3 વર્ષથી એસએમઈ આઈપીઓ સેગમેન્ટ શુષ્ક બન્યું હતું. પરંતુ ગતવર્ષે રિટર્ન આપવામાં મેઈન બોર્ડ આઈપીઓને પણ પાછળ છોડતાં એસએમઈ આઈપીઓની બોલબાલા વધી છે.
ચાલુ કેલેન્ડર વર્ષ 2023ના નવ માસમાં કુલ 120 એસએમઈ આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે, જેમાંથી 92 કંપનીઓના શેર પોઝિટીવ રિટર્ન આપી રહ્યા છે. તેમાંય 37 એસએમઈમાં 100 ટકાથી 400 ટકા સુધી ટ્રિપિલ ડિજિટ રિટર્ન છૂટી રહ્યું છે. ક્રિષ્કા સ્ટ્રેપિંગ, એક્સિકોન ઈવેન્ટ્સ સહિત પાંચ એસએમઈ આઈપીઓ 300 ટકાથી વધુ, 5માં 200થી 300 ટકા અને 29માં 100થી 200 ટકાની રેન્જમાં રિટર્ન પ્રાપ્ત થઈ રહ્યું છે.
આઈપીઓ ગેનર્સ ઓફ ધ યર 2023*
આઈપીઓ | ઈશ્યૂ પ્રાઈઝ (રૂ.) | છેલ્લો બંધ (રૂ.) | રિટર્ન |
Krishca Strapping | 54 | 235 | 335.19% |
Exhicon Events Media | 64 | 271.75 | 324.61% |
Gayatri Rubbers | 30 | 126 | 320% |
Remus Pharma | 1229 | 5090.95 | 314.29% |
RBM Infra | 36 | 146.3 | 306.39% |
ઉલ્લેખનીય છે, ઐતિહાસિક ધોરણે ઘણી એસએસઈ કંપનીઓ આઈપીઓ લાવી રોકાણકારોના પૈસા લઈ છૂમંતર થઈ ચૂકી છે. જેના પગલે ખાસ કરીને રિટેલ રોકાણકારો એસએમઈ આઈપીઓથી અંતર જાળવતાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી એસએમઈ આઈપીઓમાં રિટર્ન તેમજ સેબીની એસએમઈ પ્રત્યેની ચાંપતી નજરના પગલે રિટેલ રોકાણકારો દ્વારા એસએમઈ આઈપીઓમાં રોકાણ સતત વધ્યું છે.
રિટર્નના સથવારે નહિં, ફંડામેન્ટલ્સ-ફેન્સીના આધારે રોકાણ કરવા સલાહ
એસએમઈ આઈપીઓમાં તેજીમાં ઘણાં ટુસફુસિયા શેરો પણ ફાવી ગયા છે. પરંતુ રિટેલ રોકાણકારોએ રિટર્નના સથવારે નહિં, પણ એસએમઈની કામગીરી, નાણાકીય સ્થિતિ અને ભાવિ યોજનાઓના આધારે રોકાણ કરવા સલાહ છે. – હરેન શેઠ, કલ્યાણભાઈ માયાભાઈ બ્રોકર્સ
એસએમઈ સેગમેન્ટનો લુઝર આઈપીઓઃ પેટ્રોન એક્ઝિમ
અમદાવાદ સ્થિત ફાર્મા રો મટિરિયલ્સની વિશાળ રેન્જના ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલી પેટ્રોન એક્ઝિમ ચાલુ કેલેન્ડર વર્ષની અત્યારસુધીનો ટોપ લુઝર એસએમઈ આઈપીઓ રહ્યો છે. 6 માર્ચે -0.07 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ પેટ્રોન એક્ઝિમ હાલ 65 ટકા સુધી નેગેટિવ રિટર્ન આપી રહી છે. તદુપરાંત અન્ય ચાર એસએમઈ આઈપીઓ પણ 50 ટકાથી વધુ ઘટાડે ટ્રેડેડ છે. તે સિવાયના 23 એસએમઈ આઈપીઓ 1થી 45 ટકાની રેન્જમાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
ટોપ લુઝર્સ એસએમઈ આઈપીઓ
આઈપીઓ | ઈશ્યૂ પ્રાઈઝ | છેલ્લો બંધ | ઘટાડો |
Patron Exim | 27 | 9.45 | -65% |
Bizotic Commercial | 175 | 61.75 | -64.71% |
SVS Ventures | 20 | 5.29 | -56.05% |
Cell Point | 100 | 51.15 | -48.85% |
Amanaya ventures | 23 | 12.42 | -46% |