સ્પ્રાઇટ એગ્રોનો રૂ.44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂનથી ખૂલશે
અમદાવાદ, 24 જૂન: કૃષિ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ગ્રીન હાઉસ ટેક્નોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત સ્પ્રાઇટ એગ્રો લિમિટેડના રૂ. 44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂન, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે. આ ઇશ્યૂ થકી એકત્રિત થયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂના શેર્સ 21 જૂન, 2024ના રોજ શેરદીઠ રૂ. 45.69 ના બંધ ભાવની સરખામણીએ શેરદીઠ રૂ. 13.4ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે. રાઇટ્સ ઇશ્યૂ 12 જુલાઈ, 2024ના રોજ બંધ થશે.
કંપની ઇક્વિટી શેર દીઠ રૂ. 13.4ની કિંમતે (ઇક્વિટી શેર દીઠ રૂ. 12.4ના પ્રીમિયમ સહિત) કેશમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 3,34,84,611 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 44.87 કરોડ થાય છે. સૂચિત ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:15 છે (રેકોર્ડ ડેટ 7 જૂન, 2024ના રોજ લાયક ઇક્વિટી શેરધારકો પાસે રહેલા દરેક 15 ફુલ્લી-પેઇડ અપ ઇક્વિટી શેર્સની સામે પ્રત્યેક રૂ. 1ના 1 રાઇટ્સ ઇક્વિટી શેર). રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના ઓન માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ, 2024 છે.
રૂ. 44.87 કરોડની ઇશ્યૂમાંથી મળનારી રકમ પૈકી કંપની રૂ. 34.15 કરોડની રકમ કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે તથા રૂ. 10.32 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાની દરખાસ્ત કરે છે. 1994માં સ્થપાયેલી કંપની કૃષિ અને વનસંવર્ધન કામગીરી સાથે સંકળાયેલી છે. કંપની ઉત્પાદક, આયાતકાર અને નિકાસકાર, જથ્થાબંધ વેપારી, રિટેલ વેપારી અને તમામ પ્રકારની કૃષિ અને અન્ય ચીજવસ્તુઓના ટ્રેડર તરીકે કામ કરે છે. કંપની 16 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 8,000થી વધુ ખેડૂતો સાથે સંકળાયેલી છે.
કંપનીએ આવકમાં 500 ટકા અને ચોખ્ખા નફામાં 281 ટકાના 3 વર્ષના સીએજીઆર સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 72.59 કરોડની આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2022-23માં રૂ. 7.7 કરોડની આવકની સરખામણીએ આઠ ગણો વધારો દર્શાવે છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11.62 કરોડ રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 1.02 કરોડના ચોખ્ખા નફા કરતાં 10 ગણો વધારો દર્શાવે છે. માર્ચ 2024ના મહિનામા કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ શેર્સ ઇશ્યૂ કર્યા હતા અને રૂ. 10ની ફેસ વેલ્યુના શેરનું રૂ. 1ની ફેસ વેલ્યુના શેરમાં વિભાજન પણ કર્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)