Stock Market Next Week: નિફ્ટી માટે 22 હજારની સપાટી અતિ મહત્વની, ધીમા ધોરણે સુધારાની શક્યતા
અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 પોઈન્ટ સુધરી તેના રેકોર્ડ લેવલ 73427.5ની નજીક 73142.8 પર પહોંચ્યો હતો. નિફ્ટી50 22297.50ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 4 ટકા, ટેલિકોમ ઈન્ડેક્સ 3.8 ટકા અને એફએમસીજી તથા પાવર ઈન્ડાઈસિસ 1.5 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. જો કે, બીજી તરફ ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2 ટકા અને આઈટી ઈન્ડેક્સ 1 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
એફઆઈઆઈ વેચવાલઃ એફઆઈઆઈ આ સપ્તાહે પણ વધુ રૂ. 1939ત.40ની વેચવાલી નોંધાવી હતી. જો કે, બીજી તરફ ડીઆઈઆઈએ રૂ. 3532.82 કરોડની લેવાલીનો ટેકો આપતાં માર્કેટમાં સુધારો જળવાઈ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં અત્યારસુધી એફઆઈઆઈએ કુલ રૂ. 15857.29 કરોડની વેચવાલી સામે ડીઆઈઆઈએ રૂ. 20925.83 કરોડની લેવાલી નોંધાવી હતી.
આગામી સપ્તાહે માર્કેટનું વલણ?
મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે વૈશ્વિક સ્તરે વિવિધ આર્થિક આંકડાઓ જારી થવાના હોવાથી માર્કેટની તેજી સ્થિર થશે. અમેરિકા રોજગારી ડેટા, પીસીઈ ડેટા અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ સહિત ચોથા ત્રિમાસિકના જીડીપી આંકડાઓ જારી કરી શકે છે. જો કે, સ્થાનિક સ્તરે વલણ પોઝિટીવ હોવાની અસર બજાર પર જોવા મળી શકે છે. રોકાણકારોને નીચા સ્તરે ખરીદી વધારવા સલાહ છે.
એન્જલ વનના ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ રિસર્ચ સિનિયર એનાલિસ્ટ ઓશો ક્રિષ્નના મતે નિફ્ટી માટે મહત્વનો સપોર્ટ 22000 છે. 20 DEMA 21900-21850 છે. ઉચ્ચ સ્તરે પડકારો વચ્ચે નિફ્ટી આગામી સપ્તાહમાં બેન્કિંગ શેરોમાં તેજીના સથવારે 22350-22500ના ટાર્ગેટ તરફ આગળ વધી શકે છે.
સ્મોલ કેપ શેરોની સ્થિતિ
BSE સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં જુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ, BF યુટિલિટીઝ, વારી રિન્યુએબલ ટેક્નોલોજી, ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, SML ઈસુઝુ, જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ, યશો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હ્યુમ પાઇપ કંપની, KPI ગ્રીન એનર્જી, ઈનવેસ્ટ કોર્પોરેશન અને સોલારા એક્ટિવ ફાર્મા સાયન્સના શેરોમાં 21થી 32 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ IFCI, HPL ઇલેક્ટ્રિક એન્ડ પાવર, કોફી ડે એન્ટરપ્રાઇઝ, ઓરિએન્ટ સિમેન્ટ, જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સુલા વાઇનયાર્ડ્સ, ટેકનો ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ, PNB હાઉસિંગ ફાઇનાન્સ અને ZF કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઈન્ડિયા લુઝર્સ રહ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)