મુંબઇ, 9 એપ્રિલઃ મુંબઇ શેરબજાર તથા નેશનલ સ્ટોક એક્સચેન્જે એક નોટિફિકેશન દ્વારા જાહેરાત કરી છે કે, આગામી તા. 20મી મે-2024ના રોજ લોકસભા ચૂંટણી નિમિત્તે શેરબજારો બંધ રહેશે. તે અગાઉ તા. 1 મે અને એપ્રિલ મહિનામાં પણ શેરબજારો બે દિવસ રજા પાળશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શેરબજાર બંધ રાખવાની જાહેરાત કરી છે.

ઇલેક્શન કમિશને મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તે મુજબ 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેએ ચૂંટણી યોજાઇ રહી છે.  આ રજાના કારણે એનએસઈએ નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી તારીખ 20 મેથી બદલી 17 મે કરી છે.

આગામી તા. 11 એપ્રિલને ગુરુવારે તેમજ તા. 17 એપ્રિલે રામનવમી નિમિત્તે પણ શેરબજારોમાં રજા રહેશે. ત્યારબાદ 1 મેના રોજ પણ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શેરબજારોએ રજા જાહેર કરી છે. અગાઉ 2014માં અને 2019માં પણ લોકસભા ચૂંટણીના કારણે બીએસઈ અને એનએસઈ સ્ટોક એક્સચેન્જે રજા જારી કરી હતી. મતદાન હોવાથી ફોરેક્સ અને મની માર્કેટે પણ ટ્રેડિંગ બંધ રાખ્યું હતું. 20 મે-24ના રોજ ધુલે, દિન્દોરી, નાસિક, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ-દક્ષિણ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ અને પાલઘરની બેઠકો પર મતદાન યોજાશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)