Stock Watch: Zomatoને જીએસટી મામલે રૂ. 402 કરોડની શો-કોઝ નોટિસ મળતાં શેર 3 ટકા તૂટ્યો
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ ફૂડ ડિલિવરી એગ્રીગ્રેટર ઝોમેટો લિ.ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સત્તાવાળાઓ તરફથી અવેતન લેણાં પર રૂ. 402-કરોડની શો-કોઝ નોટિસ મળ્યા બાદ ઝોમેટોના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. નોટિસમાં કથિત કરની રકમ કંપની દ્વારા ડિલિવરી પાર્ટનર્સ વતી ગ્રાહકો પાસેથી ‘ડિલિવરી ચાર્જ’ તરીકે એકત્રિત કરવામાં આવેલી રકમ પર આધારિત છે.
શો-કોઝ 29 ઓક્ટોબર, 2019 અને માર્ચ 31, 2022 વચ્ચેના સમયગાળા માટે વ્યાજ અને દંડ સાથે રૂ. 401.7 કરોડની કથિત કર જવાબદારી સંબંધિત છે. ટેક્સની માંગ સેન્ટ્રલ ગુડ્સની કલમ 74 (1) અને સર્વિસ ટેક્સ એક્ટ, 2017 હેઠળ કરવામાં આવી છે.
બીએસઈ ખાતે ઝોમેટોનો શેર ગઈકાલના બંધ 127.05 સામે ઘટાડે 124.90ના સ્તરે ખૂલ્યા બાદ 3 ટકા તૂટી 123.20 થયો હતો. 10.30 વાગ્યે 2.36 ટકા ઘટાડે 124.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે, Zomato સ્ટોક 2023માં અત્યાર સુધીમાં 110 ટકા વધ્યો છે, જે મોટા પાયે બેન્ચમાર્ક નિફ્ટી 50ના 19 ટકા રિટર્ન સામે આઉટપર્ફોર્મર સાબિત થયો છે. એક માસમાં 10 ટકા ઉછાળો નોંધાવ્યો છે.
કંપનીએ નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “Zomato દ્રઢપણે માને છે કે કંપની દ્વારા ડિલિવરી પાર્ટનર્સ વતી ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવતો હોવાથી તે કોઈપણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. પરસ્પર સંમત થયેલા કરારના નિયમો અને શરતોને ધ્યાનમાં રાખીને, ડિલિવરી ભાગીદારોએ ગ્રાહકોને ડિલિવરી સેવાઓ પ્રદાન કરી છે, કંપની આ મામલે યોગ્ય જવાબદેહી પ્રક્રિયા કરશે.”
Zomato એ નોંધ્યું છે કે કંપની સામે કોઈપણ પ્રકારનો કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને તેઓએ પ્રશ્નમાં ટેક્સની રકમને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવા માટે આ ખુલાસો કર્યો છે. Zomato માને છે કે તેની પાસે મેરિટ પર મજબૂત કેસ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોના અહેવાલ નાણાકીય આંકડાઓની સરખામણીમાં GST સત્તાવાળાઓ તરફથી રૂ. 402 કરોડની શો-કોઝ નોટિસની રકમ નોંધપાત્ર છે. કંપનીના નાણાકીય સંદર્ભમાં, FY24 ના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 36 કરોડ હતો, જ્યારે આવક રૂ. 2,848 કરોડ હતી. કથિત કરની રકમ કંપનીના અહેવાલ કરેલા ચોખ્ખા નફા કરતાં 1000 ટકા વધારે છે.