ટાટા AIAએ NRI માટે ડૉલરમાં વીમો સોલ્યુશન્સ શરૂ કર્યાં
અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની ઑફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (NRI)ને ડૉલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે.
ટાટા એઆઇએના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વેંકી અય્યરે જણાવ્યું હતું કે, ભારતીય નાણાંકીય સેવાઓના વ્યાપને વિસ્તારવા ભારત સરકારે આઇએફએસસી ગિફ્ટ સિટીની સ્થાપના કરી એ એક નોંધપાત્ર પગલું છે. તે વીમા કંપનીઓને વિદેશી ચલણોમાં પ્રોડ્કટ વેચવાની એક મોટી તક પૂરી પાડે છે.
કંપનીએ અમેરિકન ડૉલરમાં લાભો મળે તે રીતે વિશેષ લાભોવાળી લાઇફ પ્રોટેક્ટ સુપ્રીમ પોલિસી બજારમાં મુકી છે. આ યોજના 100 વર્ષ સુધીની ઉંમરના મૃત્યુ, અકસ્માત, અપંગતા અને ગંભીર બીમારી જેવા જોખમોને આવરી લે છે. NRI ગ્રાહકો તેમની જીવનશૈલી, તબીબી ઇતિહાસ અને વ્યવસાય અનુસાર તેમના વીમાની રકમ નક્કી કરવા પાંચ પ્લાનના વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. પ્લાન્સમાં આકસ્મિક મૃત્યુ, ગંભીર બીમારી, અને અકસ્માતની સ્થિતિમાં સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા પર પ્રીમિયમની માફીનો સમાવેશ કરતા રાઇડર પણ જરૂરિયાત પ્રમાણે લઈ શકાય છે.
કંપની ટૂંક સમયમાં યુનિટ લિંક્ડ જીવન વીમા ઉત્પાદનો (યુલિપ) રજૂ કરવાની પણ યોજના ધરાવે છે, જેનાથી ગ્રાહકોને વૈશ્વિક ઇક્વિટી બજારોમાં રોકાણની આકર્ષક તકોનો લાભ મળી શકે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)