સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ નિમિત્તે પત્રકારો સાથે વાર્તાલાપ કરીને પૂના ગયા ત્યાં હાર્ટ એટક આવી ગયો

અમદાવાદઃ વિશ્વની ટોચની પાંચ વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી સુઝલોન એનર્જીના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીએ શનિવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગારોહણ કર્યું છે. સુઝલોનની ડણક દૂનિયામાં સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાયના સમાચાર જ્યારે બીએસઇની વેબસાઇટ અને મિત્ર વિશાલ પટેલનો મેસેજ વાંચીને સૌથી મોટો આંચકો મને લાગ્યો કે હજી શનિવારે તો તુલસી ભાઇ પત્રકારોને સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ અંગે ચર્ચાવિચારણા કરવા માટે બપોરે 2 વાગ્યા સુધી મળ્યા હતા. અને માત્ર સુઝલોનના રાઇટ્સ ઇશ્યૂની જ નહિં, એકદમ હળવા વાતાવરણમાં પર્સનલ વાતો અને જૂના સંસ્મરણો તાજા કરીને હળવાશ માણી હતી. 64 વર્ષના યુવા હ્રદય તુલસીભાઇને હ્રદયે જ દગો દઇ દીધો, સાંજે આવેલાં હાર્ટ એટેકમાં તેમનું દુઃખદ અવસાન થયું છે.
2જી ફેબ્રુઆરી, 1958ના રોજ ગુજરાત, પશ્ચિમ ભારતના રાજકોટમાં ખેડૂત પરીવાર રણછોડભાઈ અને રંભાબેનના ત્યાં જન્મેલા બાળકે મોટા થઇને 90ના દાયકા આસપાસ ભારતને સુઝલોન એનર્જીના નેજા હેઠળ વિન્ડ એનર્જીની ગીફ્ટ આપી ત્યારે તે સમગ્ર દૂનિયામાં તુલસી તંતી નામ ફેમસ થઇ ગયું હતું. મિકેનિકલ એન્જિનિયર તુલસી તંતીએ તેમની કારકિર્દીની શરૂઆત સુરતમાં સલ્ઝર સિન્થેટિકના નામથી કાપડનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમને ખર્ચ અને વીજળીની સમસ્યાએ ખૂબ સતાવ્યા.
1990માં બે વેસ્ટાસ વિન્ડ ટર્બાઇનમાં રોકાણ કર્યું અને 1995માં સુઝલોનની સ્થાપના કરી. વિન્ડ ટર્બાઇન અને વિન્ડ પાવર વિશે કોઇને કલ્પના પણ નહોતી કે તે એક દિવસ વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન કરી શકશે.

ધીમે ધીમે કાપડમાંથી પાવરમાં ઝંપલાવનારા તુલસી તંતીએ સુઝલોનને વિશ્વની ટોચની સૌથી મોટી 5 અને ભારતની નંબર બિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન અપાવ્યું હતું. એટલુંજ નહિં, સામાન્ય છાપ એવી હોય છે કે, ભારત ચીનથી માત્ર ઇમ્પોર્ટ જ કરી શકે તે મિથ તેમણે તોડીને સુઝલોન ચીનને વિન્ડ ટર્બાઇન એક્સ્પોર્ટ કરે છે.


તુલસીભાઇ તંતીના પરિવારમાં પત્ની ગીતાબેન, પૂત્ર પ્રણવ અને દિકરી નિધી ઉપરાંત તેમના ચાર ભાઇ-બહેનનો સમાવેશ થાય છે.