NCLTએ શેરધારકો અને લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કરતાં વેદાંતાના ડિમર્જરની પ્રક્રિયા આગળ વધી
અમદાવાદ, 26 નવેમ્બર: વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે શેરધારકો અને સુરક્ષિત તથા અસુરક્ષિત લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કર્યો છે જે કંપની દ્વારા તેના ઓર્ડર મળ્યાના 90 દિવસમાં યોજવામાં આવશે. ડિમર્જ થયેલી કંપનીના ઇક્વિટી શેરધારકોની મીટિંગ બોલાવવામાં આવે અને ઓર્ડર મળ્યાની તારીખના 90 દિવસમાં યોજવામાં આવે એમ તેના 21 નવેમ્બરના ઓર્ડરમાં ટેક્નિકલ મેમ્બર મધુ સિંહા અને જ્યુડિશિયલ મેમ્બર રીટા કોહલીની બનેલી એનસીએલટીની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું.
ડિમર્જરની સ્કીમ મુજબ વેદાંતા લિમિટેડના હાલના વ્યવસાયો ડિમર્જ કરવામાં આવશે જેના લીધે છ અલગ અલગ લિસ્ટેડ કંપનીઓ વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ અસ્તિત્વમાં આવશે. ડિમર્જર સરળ વર્ટિકલ સ્પ્લિટમાં થશે અને વેદાંતા લિમિટેડના દરેક 1 શેર માટે શેરધારકોને 5 નવી લિસ્ટેડ કંપનીઓ પૈકી દરેકનો 1 શેર મળશે. વેદાંતાને શેરબજારો તથા તેના 75 ટકા સુરક્ષિત લેણદારો તરફથી આગળ વધવા કે નો ઓબ્જેક્શન મળી ચૂક્યા છે.
વેદાંતા માટે નાણાંકીય વર્ષનો પહેલો અર્ધવાર્ષિક ગાળો અને બીજો ત્રિમાસિક ગાળો મજબૂત પરિણામો સાથેનો રહ્યો હતો જેમાં કંપનીએ રૂ. 10,364 કરોડની ત્રિમાસિક ગાળાની એબિટા નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 44 ટકા વધી હતી. આ જ પ્રકારે વેદાંતાએ રૂ. 20,639 કરોડનો અત્યાર સુધીની સૌથી વધુ પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની એબિટા નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 46 ટકા વધુ હતી. વેદાંતાએ તેના તાજેતરના ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે તેણે પાંચ વર્ષમાં શેરધારકોને 378 ટકાનું વળતર આપ્યું છે જ્યારે તેની પાંચ વર્ષની ડિવિડન્ડની ઉપજ 67 ટકા રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)