ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર લોન સેગમેન્ટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ મોખરે
મુંબઈઃ ભારત અને દુનિયાભરમાં પોતાની ધિરાણની સફર નાની વયે શરૂ કરનાર ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ઉપભોક્તાઓ સામાન્ય રીતે સ્થાપિત ધિરાણ અને સમાન રિસ્ક સ્કોર ધરાવતા ઋણધારકોની સરખામણીમાં લોન વધારે સારી રીતે અદા કરવાનું વલણ ધરાવે છે. ટ્રાન્સયુનિયના નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ “એમ્પાવરિંગ ક્રેડિટ ઇન્ક્લૂઝન: એ ડીપર પર્સેપ્ક્ટિવ ઓન ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર્સ” અભ્યાસ અને એના તારણો મુજબ, ભારતમાં વર્ષ 2021માં 35 મિલિયન ઉપભોક્તાઓએ પહેલી વાર ધિરાણ કે લોન લીધી હતી અને NTC ઉપભોક્તાઓ બન્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં NTC મારફતે વધુ 31 મિલિયન ઉપભોક્તાઓ ઊભા થયા હતા. વર્ષ 2021માં મિલેનિયલ્સ (વર્ષ 1980 અને વર્ષ 1994 વચ્ચે જન્મ લેનાર ઉપભોક્તાઓ) 42 ટકા હિસ્સા સાથે આ ગ્રૂપનો સૌથી વધુ હિસ્સો ધરાવતા હતા. ત્યારબાદ તેમાં જનરેશન Z (29 ટકા)નો સૌથી વધુ હિસ્સો હતો, જેમનો જન્મ 1995 અને પછીના વર્ષોમાં થયો છે. ભારતમાં NTC ઉપભોક્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં પ્રમાણમાં વધારે કેન્દ્રિત થયેલા છે – વર્ષ 2021માં 67 ટકા NTC ઉપભોક્તાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં સ્થિત હતો, જે નવા ખાતાં ખોલવનાર કુલ લોનધારકોના 57 ટકાથી વધારે હતા.
2017- 2022 દરમિયાન મહિલા ઉપભોક્તાઓની સંખ્યામાં 32થી 34 ટકાનો વધારો
ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું કે, વર્ષ 2017 અને વર્ષ 2022 વચ્ચે ભારતમાં NTC ઉપભોક્તાઓમાં મહિલા ઉપભોક્તાઓની સંખ્યામાં 32થી 34 ટકાનો વધારો થયો હતો, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં તમામ NTC ઉપભોક્તાઓમાં મહિલા ઉપભોક્તાઓનું પ્રમાણ વર્ષ 2017માં 30 ટકાથી વધીને વર્ષ 2022માં 34 ટકા થયું હતું. સૌથી વધુ વૃદ્ધિ 18થી 30 વર્ષની વયજૂથના યુવા વર્ગમાં જોવા મળી હતી, જેઓ વર્ષ 2017માં NTC ઉપભોક્તાઓમાં 31 ટકા હિસ્સો ધરાવતા હતા અને વર્ષ 2022માં તેમનું પ્રમાણ વધીને 45 ટકા થયું હતું.
કેલેન્ડર વર્ષ 2022માં સપ્ટેમ્બર સુધી પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળાઓ દરમિયાન 26 ટકા NTC ઉપભોક્તાઓએ કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન મેળવીને તેમની ધિરાણની સફર શરૂ કરી હતી. ત્યારબાદ 16 ટકા NTC ઉપભોક્તાઓએ તેમની પ્રથમ લોન સ્વરૂપે કૃષિ લોન અને 13 ટકા NTC ઉપભોક્તાઓએ પર્સનલ લોન સાથે તેમની ધિરાણની સફર શરૂ કરી હતી.
પ્રથમ કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન લેનારાઓમાં મહિલાઓનું પ્રમાણ 29 ટકા
પોતાની પ્રથમ લોન તરીકે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન લેનાર NTC ઉપભોક્તાઓમાં સૌથી વધુ ઉપભોક્તાઓ મહિલાઓ હતી. તેમનું પ્રમાણ ધિરાણ અદા કરેલા ઉપભોક્તાઓથી વધારે હતું (29% NTC vs 14% ધિરાણ અદા કરનાર).
ભારતમાં જે NTC ગ્રાહકોએ પર્સનલ લોન તરીકે પહેલી વાર લોન લીધી હતી તેમાંથી 63 ટકા ગ્રાહકોએ તેમની બીજી લોન પહેલી વાર લોન આપનાર સંસ્થા પાસેથી જ લીધી હતી. 79 ટકા ભારતીય NTC ઉપભોક્તાઓને આગામી ત્રણથી પાંચ વર્ષમાં વધુ લોન લેવામાં રસ છે.