WHOએ એન્સીફેલાઈટીસ પર પ્રથમ ટેકનિકલ સંક્ષિપ્ત માહિતી બહાર પાડી
મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલે લંડનમાં એન્સીફેલાઈટીસ પર એક મહત્વપૂર્ણ ટેકનિકલ બ્રીફ (સંથિપ્ત માહિતી) રજૂ કરી છે, જેમાં એન્સીફેલાઈટીસ (ચેપી અને ઓટોઈમ્યુન)ને વધતા વૈશ્વિક જોખમ તરીકે ઓળખવામાં આવી હતી જે તેને તાકીદના ધોરણે જાહેર આરોગ્ય માટે પ્રાથમિકતા બનાવે છે. ટેકનિકલ બ્રીફમાં એન્સીફેલાઈટીસના વિશ્વવ્યાપી ભારણ, નિવારણ, ડેટા સંગ્રહ અને દેખરેખ, નિદાન અને સારવાર, સંભાળ અને જાગૃતિમાં સુધારો કરવા અને રિસર્ચમાં નૂતનતા લાવવા માટે જરૂરી મુખ્ય પગલાંની રૂપરેખા આપવામાં આવી છે.

એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. અવા ઈસ્ટને કહ્યું કે, “એન્સીફેલાઈટીસ એક વધતું જતું વૈશ્વિક જોખમ છે. તેના તરફ તાત્કાલિક ધ્યાન અને તેના નિવારણ માટે રોકાણ વગર આ સ્થિતિમાંથી વધુ બિનજરૂરી મૃત્યુ અને અપંગતા નિપજશે.” એન્સીફેલાઇટીસ એ મગજની એવી જીવલેણ બળતરા છે જે વય, લિંગ અથવા વંશીયતાના ભેદભાવ વિના કોઈને પણ થઇ શકે છે. તે ગંભીર ન્યુરોલોજીકલ પરિણામો તરફ દોરી શકે છે, જેમાં મગજની કાયમી ઈજાનો સમાવેશ થાય છે. તે કાં તો મગજમાં આક્રમણ કરતા ચેપ, જેમ કે જાપાનીઝ એન્સીફેલાઈટીસ, સ્ક્રબ ટાયફસ, જે ભારતમાં વધુ પ્રચલિત છે, અથવા રોગપ્રતિકારક શક્તિ દ્વારા ભૂલથી મગજ પર હુમલો કરવાથી (ઓટોઇમ્યુન એન્સીફેલાઈટીસ) ઉદ્ભવે છે.

WHO અને એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલ નીતિ ઘડવૈયાઓ, જાહેર આરોગ્ય વ્યાવસાયિકો, આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને સંશોધકોને આ સંક્ષિપ્ત માહિતીની જાણકારી મેળવવા અને એન્સીફેલાઈટીસ સાથે સંકળાયેલ વ્યક્તિનું જીવન બચાવવા અને અપંગતા ઘટાડવા માટે તેની ભલામણોનો અમલ કરવા વિનંતી કરે છે. 2024માં થયેલા તાજેતરના સર્વે મુજબ, 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1,548 જાપાનીઝ એન્સીફેલાઈટીસ કેસ નોંધાયા હતા. 1
ડૉ. અવા ઈસ્ટને ઉમેર્યું કે, “એન્સીફેલાઈટીસ એક વૈશ્વિક જોખમ હોવા બાબતે WHO દ્વારા માન્યતા આપવી એ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અસરગ્રસ્ત લોકો માટે નિવારણ, નિદાન અને સંભાળમાં સુધારો કરવા માટે આપણે નિર્ણાયક રીતે કાર્ય કરવું જોઈએ. ઓછીથી મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC)માં એન્સીફેલાઈટીસ અપ્રમાણસર રીતે વ્યક્તિઓને અસર કરે છે, જ્યાં આરોગ્યસંભાળ સંસાધનો ઘણીવાર મર્યાદિત હોય છે. ટેકનિકલ બ્રીફની ભલામણોના અમલીકરણને સમર્થન આપવા માટે, એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલે “કાઉન્ટડાઉન ટુ ચેન્જ” પાયલોટ અપીલ શરૂ કરી છે, જેનો હેતુ 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં £50,000 એકત્ર કરવાનો છે. આ દાન વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકો માટે નિદાન, સારવાર અને સંભાળ સુધારવા માટેની પહેલોને ભંડોળ પૂરું પાડશે.”
“WHO એન્સીફેલાઈટીસ ટેકનિકલ બ્રીફનો હેતુ એન્સીફેલાઈટીસના વધતા જતા વૈશ્વિક જોખમ, તેના નિવારણ માટેની વ્યૂહરચનાઓ અને નિદાન, સારવાર અને સંભાળમાં હાલના અંતર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે વધુ અસરગ્રસ્ત લોકોને સંતોષકારક અને સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી સારવાર અને સંભાળ મેળવવામાં મદદ કરશે,” એમ બ્રેઈન હેલ્થ એન્ડ સબસ્ટેન્સ યુઝના મેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટના બ્રેઈન હેલ્થ યુનિટના ડૉ. તરુણ દુઆએ જણાવ્યું હતું.
