મુંબઈઃ કોવિડ બાદથી ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્જેક્શન સતત વધી રહ્યા છે. યુપીઆઈ દ્વારા માસિક 6 અબજ ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે. પરિણામે તમામ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મની આવકો અને વોલ્યૂમ ડબલ ડિજિટમાં ગ્રોથ કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રોકડ સિવાયના તમામ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા રૂ. 36.08 લાખ કરોડના ટ્રાન્જેક્શન થયાં છે. જેમાં યુપીઆઈ દ્વારા 30.40 લાખ કરોડના ટ્રાન્જેક્શન નોંધાયા છે.

Worldline Indiaના રિપોર્ટ અનુસાર, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વોલેટ-પ્રિપેઈડ કાર્ડ્સ સહિતના પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ, યુપીઆઈ મારફત કુલ 20.57 અબજ ટ્રાન્જેક્શન થયાં છે. જેમાં યુપીઆઈ P2P (પર્સન ટુ પર્સન) ટ્રાન્જેક્શન 67 ટકા, UPI P2M (પર્સન ટુ મર્ચન્ટ) ટ્રાન્જેક્શન 17 ટકા વધ્યા છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચૂકવણી 8 ટકા અને 14 ટકા વધી છે.

મોટી રકમની ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડની માગ વધી

યુપીઆઈ ટ્રાન્જેક્શન વધ્યા હોવા છતાં આજે પણ લોકો મોટી રકમની ચૂકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. જેની માગ વધી છે. વર્ડલાઈનના સીઈઓ રમેશ નરસિમ્હાએ જણાવ્યુ હતુ કે, 1 અબજથી વધુ કાર્ડ્સ મારફત પેમેન્ટ થઈ રહ્યુ છે. ભારતની વિવિધ અને વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અમે ઈકોસિસ્ટમ બનાવી છે. ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ રિપોર્ટ વિશ્વના મુખ્ય વલણોને કેપ્ચર કરે છે અને લગભગ તમામ પેમેન્ટ પ્લેટફોર્મમાં ડબલ ડિજિટ ગ્રોથ દર્શાવે છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ માટે આરબીઆઈના વિઝન 2025 ઝડપથી હાંસિલ થશે.

–    UPI દર મહિને 6 અબજથી વધુ ટ્રાન્જેક્શન કરી રહ્યા છે, લગભગ 53 મિલિયન FASTags જારી કરવામાં આવ્યા છે.

–    UPI પી2પી ટ્રાન્જેક્શન એવરેજ ટિકિટ સાઈઝ 2425

–    યુપીઆઈ પી2એમ એવરેજ ટિકિટ સાઈઝ રૂ. 820

–    યુપીઆઈ એપ્રિલ,2016માં 21 પાર્ટનર બેન્કો સાથે શરૂ થયુ હતું. જે આજે વધી 346 બેન્કો થઈ છે. યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, ભૂતાનમાં માન્ય છે.

યુપીઆઈ ટ્રાન્જેક્શનઃ ટોચના 10 રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે

1.   મહારાષ્ટ્ર, 2. તમિલનાડુ, 3. કર્ણાટક, 4. આંધ્રપ્રદેશ, 5. કેરળ, 6. ગુજરાત, 7. દિલ્હી, 8. ઉત્તર પ્રદેશ, 9. તેલંગાણા, 10. પશ્ચિમ બંગાળ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરામાં ટ્રાન્જેક્શન વધ્યા છે.