સેન્સેક્સ 66061ની સર્વોચ્ચ સપાટીએ, નિફ્ટીએ 19550ની વધુ એક રેઝિસ્ટન્સ કૂદાવી
સેન્સેક્સમાં સાપ્તાહિક 780 પોઇન્ટનો ઉછાળો નોંધાયો
Date | Open | High | Low | Close |
7/07/2023 | 65559 | 65899 | 65176 | 65280 |
10/07/2023 | 65482 | 65633 | 65246 | 65344 |
11/07/2023 | 65590 | 65871 | 65518 | 65618 |
12/07/2023 | 65759 | 65812 | 65320 | 65394 |
13/07/2023 | 65667 | 66064 | 65452 | 65559 |
14/07/2023 | 65775 | 66160 | 65611 | 66061 |
અમદાવાદ, 14 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં તેજીની ઝાકમઝોળ વચ્ચે બીએસઇ સેન્સેક્સ આજે વધુ 520.01 પોઇન્ટના ઉછાળા સાથે 66060.90 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ 19550 પોઇન્ટની વધુ એક રેઝિસ્ટન્સ કૂદાવવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, માર્કેટનો મૂડ લાંબી તેજીની રેસ ખેલવાનો જણાય છે. BSE સેન્સેક્સ ઉપરમાં 66,159.79 (નવી ટોચ) અને નીચામાં 65,610.82 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 502.01 પોઈન્ટ્સ અથવા 0.77 ટકા ઉછળીને 66060.90 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,595.35 (નવી ટોચ) અને નીચામાં 19,433.50 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 150.75 પોઈન્ટ્સ અથવા 0.78 ટકાના ઉછાળા સાથે 19564.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી આઈટી, ટેકનો, મેટલ, રિયલ્ટી, ટેલીકોમ તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.00 અને 1.14 ટકા વધીને બંધ રહ્યા હતા.
આઇટી ઇન્ડેક્સ 1290 પોઇન્ટ ઉછળી ઐતિહાસિક ટોચે
આઇટી ઇન્ડેક્સ આજે સવારે 30195.72 પોઇન્ટની ગેપઅપ સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં 31364.81 પોઇન્ટની નવી ઊંચાઇ હાંસલ કરી છેલ્લે 1289.36 પોઇન્ટ એટલેકે 4.30 ટકાના ઉછાળા સાથે 31296.36 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ સુબેક્સ 19.97 ટકા, માસ્ટેક 9.48 ટકા, એમ્ફેસિસ 7.58 ટકા, ન્યૂક્લિયસ 7.42 ટકા, સાસ્કેન 6.55 ટકા, સોનાટા સોફ્ટવેર 6.37 ટકા, ટીસીએસ 5.13 ટકા, ટેક મહિન્દ્રા 4.51 ટકા અને ઇન્ફી 4.40 ટકા સુધર્યા હતા.