Jyoti CNC Automation IPOનું 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, શેર 29 ટકા સુધી વધ્યો
આઈપીઓ સાઈઝ | રૂ. 1000 કરોડ |
ઈશ્યૂ પ્રાઈસ | રૂ. 331 |
લિસ્ટિંગ | રૂ. 372 |
ટોચ | 426.70 |
રિટર્ન | 28.83 ટકા |
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સીએનસી મશીન્સની મેન્યુફેક્ચરર અને સપ્લાયરર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. (Jyoti CNC Automation Ltd.)નો આઈપીઓ આજે 12.39 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયો છે. 12.20 વાગ્યા સુધીમાં શેર 28.83 ટકા ઉછળી 426.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.
બીએસઈ ખાતે જ્યોતિ સીએનસી ઓટોમેશનના આઈપીઓએ રૂ. 331ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 372ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 12.21 વાગ્યે 25.97 ટકા ઉછાળા સાથે 416.95ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 370.05નું સ્તર નોંધાવ્યું હતું. ગ્રે માર્કેટમાં Jyoti CNC આઈપીઓ માટે રૂ. 45 અર્થાત 13 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા.
ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ કુલ 40.49 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 27.50 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. ક્યુઆઈબી પોર્શન 46.37 ગણો, એનઆઈઆઈ 38.33 ગણો, એમ્પ્લોયી 13.14 ગણો ભરાયો હતો. કંપનીએ આઈપીઓ હેઠળ રૂ. 1000 કરોડ એકત્ર કર્યા હતા. જેનો ઉપયોગ બાકી દેવાંની ચૂકવણી, લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.
કંપની પાસે 44 શ્રેણીમાં 200 પ્રકારના CNC મશીનોની વિશાળ રેન્જ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, ભારત, યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના કેટલાક ભાગો સહિત વિશ્વભરના 3,000થી વધુ ગ્રાહકોને 7,200થી વધુ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે. 1 એપ્રિલ, 2004થી, જ્યોતિ CNC એ વિશ્વભરમાં 30,000 CNC મશીનો પહોંચાડ્યા છે.
કંપની હ્યુરોનના સ્થાપિત ડીલર નેટવર્ક દ્વારા વિશ્વભરમાં તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે અને રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને યુકેમાં 29 વેચાણ અને સેવા કેન્દ્રો પણ ધરાવે છે.