JSW સ્ટીલનો Q3 ચોખ્ખો નફો પાંચ ગણો વધીને રૂ. 2,450 કરોડ થયો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ જેએસડબ્લ્યૂ સ્ટીલે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2450 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 474 કરોડ સામે પાંચગણો વધ્યો છે. જો કે, ત્રિમાસિક ધોરણે 12 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ આવક રૂ. 41940 કરોડ જ્યારે ઓપરેટિંગ EBITDA રૂ. 7180 કરોડ રહ્યું છે. જે ક્રમિક રીતે 9% ઘટીને છે. આ ઘટાડાનું કારણ વેચાણના નીચા પ્રમાણ અને આયર્ન ઓર અને કોકિંગ કોલસાના વધતા ખર્ચને આભારી છે, જે આંશિક રીતે વિદેશી કામગીરીમાંથી ઊંચા EBITDA દ્વારા સરભર કરવામાં આવી હતી.
નિષ્ણાતોને FY24ના ત્રીજા ક્વાર્ટરમાં કંપની રૂ. 3,556 કરોડનો ચોખ્ખો નફો નોંધાવે તેવી અપેક્ષા હતી. તેનું ચોખ્ખું વેચાણ રૂ. 44,799.60 કરોડનો અંદાજ હતો. જે 18 ટકા QoQ અને 13 ટકા YoY નીચો નોંધાયો છે.
બીએસઈ ખાતે આજે જેએસડબ્લ્યૂ સ્ટીલનો શેર 0.49 ટકાના નજીવા સુધારા સાથે 816.45 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 820.80ની ટોચે પહોંચ્યો હતો. જેએસડબ્લ્યૂ સ્ટીલ શેરનો 52 વીક હાઈ 895.60 અને લો 649.75 છે.
ત્રિમાસિકગાળામાં કોન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 12 ટકા અને ત્રિમાસિક ધોરણે 8 ટકા વધી 6.87 મિલિયન ટન નોંધાયું છે. સ્ટીલના વેચાણો 7 ટકા વૃદ્ધિ સાથે 60 લાખ ટન રહ્યા હતા. જેમાં સ્થાનિક વેચાણ 2 ટકા વધ્યું છે. કંપનીનું ચોખ્ખુ દેવુ વધારાના કાર્યકારી મૂડી રોકાણોના પગલે વધી રૂ. 79221 કરોડ થયું છે.
કંપની રૂ. 2000 કરોડના બોન્ડ લાવશે
પરિણામો જાહેર કરતાં બોર્ડ મિટિંગમાં દેવા અને કેપેક્સના પુનઃધિરાણ માટે બોન્ડ જારી કરવા મંજૂરી આપી છે. કંપની બોર્ડ બોન્ડ મારફત રૂ. 2 હજાર કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. વધુમાં જયંત આચાર્યની પૂર્ણ કાર્યકાળ માટેના ડિરેક્ટર પદે નિમણૂક કરી છે.