અમદાવાદ, 27 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ સળંગ 8 સેશનની તેજીને વિરામ આપવા સાથે મંગળવારે ટોકન સુધારો નોંધાવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો  નિફ્ટી50 ઇન્ડેક્સ 25,017 પર સપાટ બંધ રહ્યો હતો અને S&P બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ પણ માત્ર 13 પોઈન્ટ વધીને 81,711ના સ્તરે સ્થિર થયો હતો.

નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, 21 શેરો પોઝિટિવ ટેરિટરીમાં આગળ વધ્યા હતા, જ્યારે 29 શેરો રેડ ટેરિટરીમાં સમાપ્ત થયા હતા. સુધરેલા શેર્સમાં SBI લાઇફ 2.38 ટકાના વધારા સાથે આગળ છે, ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ અને મારુતિમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક 1 ટકાથી વધુ વધીને બંધ થયા છે. તેની સામે ઘટેલાં શેર્સમાં, ટાઇટન 2 ટકાથી વધુ ઘટ્યો હતો, જ્યારે JSW સ્ટીલ, હિન્દાલ્કો અને ટાટા મોટર્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

 માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સનો અભાવ હતો, અને તેના પાછલા બંધ કરતાં લગભગ યથાવત સમાપ્ત થયો હતો. નબળા યુએસ બજારના સંકેતો અને એશિયાના સૂચકાંકોએ સ્થાનિક રોકાણકારોને ફેગ-એન્ડ તરફ નફો બુક કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જે દર્શાવે છે કે વધતા જિયો પોલિટિકલ તણાવ અને સુસ્ત વૈશ્વિક વૃદ્ધિ વચ્ચે ઇન્ટ્રા-ડે વોલેટિલિટી ચાલુ રહેવાની સંભાવના નિષ્ણાતો દર્શાવે છે.

25100 ઉપરની સપાટી નિફ્ટીને 25300 સુધી સુધારી શકે

“નિફ્ટી દૈનિક ચાર્ટ પર ડોજી પેટર્ન સાથે બંધ થતાં સેન્ટિમેન્ટ અનિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયું છે. 25,000-સ્ટ્રાઈક કિંમતે કોલ અને પુટ ઓપ્શન રાઈટર્સ બંનેની નોંધપાત્ર હાજરી ટેક્નિકલ સેટઅપને મજબૂત બનાવે છે. લોઅર એન્ડમાં નિફ્ટી માટે 24,800 તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે છે, જ્યારે 25,100થી ઉપરનો સુધારોનિફ્ટીને 25,300 તરફ આગળ વધારી શકે છે,”-  LKP સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક દે

નિફ્ટી બેન્ક 0.26 ટકા વધીને અને ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.82 ટકા વધ્યા હતા, જ્યારે PSU બેન્કો નજીવા લાભ સાથે સમાપ્ત થયા હતા. આઈટી, રિયલ્ટી અને ઓટોમાં નજીવી વધઘટ થઈ, જ્યારે મેટલ અને ફાર્મા અનુક્રમે 0.61 ટકા અને 1.06 ટકા ઘટ્યા. મિડ-કેપમાં 0.49 ટકાનો વધારો થયો હતો, જ્યારે સ્મોલ-કેપમાં 1 ટકાથી વધુનો વધારો થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)