કનિગીરી (આંધ્ર પ્રદેશ) 3 એપ્રિલ: આંધ્રપ્રદેશના આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના મંત્રી અને રોજગાર સર્જન માટેના મંત્રીઓના જૂથના અધ્યક્ષ શ્રી નારા લોકેશે આજે આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લામાં કાનિગિરી ખાતે પ્રથમ રિલાયન્સ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રોજેક્ટ રૂ. 139 કરોડના મૂડીરોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે અને આંધ્રપ્રદેશ માટે કુલ રૂ. 65,000 કરોડના મૂડી ખર્ચ સાથે સંકળાયેલા 500 પ્રોજેક્ટ્સની શ્રેણીનો આ પહેલો પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે અને ઉજ્જડ તથા પડતર જમીન પર નેપિયર ઘાસ ઉગાડીને તેનો ઉપયોગ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને લીઝની આવકની ચુકવણી કરવામાં આવશે જેથી ગ્રામીણ અર્થતંત્રને નોંધપાત્ર રીતે આજીવિકા મળે અને આ ઉપરાંત ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ઘાસ માટે નિશ્ચિત કિંમત પણ નક્કી કરવામાં આવશે.

રિલાયન્સે આંધ્ર પ્રદેશમાં ઇન્ટિગ્રેટેડ CBG હબ સ્થાપવા માટે એક સાહસિક સફર શરૂ કરી છે. આ હેતુ માટે પ્રકાશમ, અનંતપુર, ચિત્તૂર અને કડપ્પામાં લગભગ 500,000 એકર ઉજ્જડ અને પડતર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. એકવાર બધા પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે પછી તેના થકી વાર્ષિક 40 લાખ ટન ગ્રીન, ક્લીન CBG અને 1.1 મિલિયન મેટ્રિક ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે. આ પહેલથી ગ્રામીણ યુવાનો માટે 250,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.

શિલાયન્સાસ પ્રસંગે હાજર રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી. એમ. એસ. પ્રસાદે જણાવ્યું કે, આ પ્લાન્ટ્સમાંથી નીકળતું એક કરોડ ટન ફર્મેન્ટેડ ઓર્ગેનિક ખાતર ખેડૂતોને રાસાયણિક ખાતરોના વપરાશમાં ઘટાડો કરીને મહત્વની મદદ પૂરી પાડશે. આનાથી 15 લાખ એકર ઉજ્જડ જમીન ફળદ્રુપ ખેતીલાયક જમીનમાં પરિવર્તિત થશે, તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. મંત્રી નારા લોકેશે જણાવ્યું કે, રિલાયન્સ આંધ્રપ્રદેશમાં કુલ રૂ. 65,000 કરોડના રોકાણ સાથે આવા 500 પ્રોજેક્ટ્સ વિકસાવશે.