ગાંધીનગર, 1 નવેમ્બર: ડૉઇશ બેંકે સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (SEWA)ના સહયોગથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બેંક દ્વારા સમર્થિત આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. કમલા એક કમ્યુનિટી ફૂડ સેન્ટર છે, જેનું સંચાલન કમલા કૉઑપરેટિવના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ કૉઑપરેટિવ SEWA દ્વારા સ્થાપિત અને ડૉઇશ બેંકના સીએસઆર એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ સમર્થિત શ્રમજીવી મહિલા કામદારોનું સાહસ છે.

કમલા પહેલનો ઉદ્દેશ્ય પરવડે તેવી કિંમતે ઘર જેવું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવાની સાથે સ્થાયી આજીવિકાને પ્રોત્સાહન આપીને શ્રમજીવી કામદાર મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાની તકોનું સર્જન કરવાનો છે. કમલા માં સ્થાનિક ખેડૂતો અને અંતિમ ગ્રાહકો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે પણ કાર્ય કરે છે, જે સર્વસમાવેશક આર્થિક વિકાસને વેગ આપે છે. આ મંડળી માં જોડાતા પહેલાં તેના મોટાભાગના સભ્યો કાં તો બેરોજગાર હતા અથવા અસ્થિર આવક રળી આપનારા કોઈ અનૌપચારિક કામમાં રોકાયેલા હતા. કમલાના માધ્યમથી મહિલાઓને ફૂડ પ્રોસેસિંગ, રીટેઇલ કામગીરી, નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા, ગ્રાહક સેવા, સ્વચ્છતા અને ઉદ્યોગસાહસિકતાની વ્યાપક તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ કૌશલ્યો તેમને રોજિંદી સેવા પૂરી પાડવાથી લઈને વ્યૂહાત્મક નિર્ણયો લેવા સુધી, કાફેની કામગીરીના તમામ પાસાઓનું સંચાલન કરવા માટે સક્ષમ બનાવે છે.

વર્ષ 2015માં તેની શરૂઆત થઈ ત્યારથી “કમલા” નેટવર્ક એક સ્થાયી અને સામુદાયિક રીતે સંચાલિત ધંધાદારી એકમ તરીકે વિકસિત થયું છે. તેના સેન્ટરો આઇઆઇએમ અમદાવાદ સહિતના પ્રમુખ સ્થળોએ આવેલા છે અને તે તાજા તૈયાર કરવામાં આવેલા ભોજનની સાથે પેકેજ્ડ ફૂડ અને ઇકો-ફ્રેન્ડલી સ્ટેશનરી જેવા SEWA કૉઑપરેટિવ્સના અન્ય ઉત્પાદનો પણ પૂરાં પાડે છે. આ સહકારી મોડેલ એ વાતની ખાતરી કરે છે કે, તેના સભ્યો એક નિશ્ચિત આવક કમાય અને નફામાંથી ભાગીદારી મેળવે, જેથી તેમની ઘરેલું કમાણીમાં વધારો થાય છે અને નિર્ણય લેનારી વ્યક્તિઓ તરીકે તેમની ભૂમિકાઓ સુદ્રઢ બને છે. આજે મહિલાઓ દ્વારા સંચાલિત 2,600 કમલા કાફે વાર્ષિક રૂ. 4.6 કરોડનું ટર્નઓવર કરે છે.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં ડૉઇશ બેંક ગ્રૂપ ઇન્ડિયાના સીએસઆરના હેડ સુશ્રી રુચિ ખેમકાએ જણાવ્યું હતું કે, ‘ડૉઇશ બેંક ખાતે, અમારું માનવું છે કે સ્થાયી વિકાસની શરૂઆત આર્થિક સશક્તિકરણથી થાય છે. કમલા કાફે પહેલ કૌશલ્યો, તાલીમ અને સામૂહિક ઉદ્યમને સુલભ બનાવવાથી લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકાય છે, તેનું એક જ્વલંત ઉદાહરણ છે. SEWA સાથે મળીને અમે એવી મહિલાઓની પ્રેરણાદાયી યાત્રાઓના સાક્ષી બન્યાં છીએ, જેઓ નાણાકીય અસુરક્ષામાંથી બહાર આવીને ઉદ્યોગસાહસિકો, રોલ મોડેલ્સ અને પોતાના પરિવારો તથા સમુદાયોમાં સમાન યોગદાનકર્તા તરીકે સ્થાપિત થઈ છે.’

છેલ્લાં નવ વર્ષોમાં, ડૉઇશ બેંક અને SEWA એ આજીવિકાનું સર્જન, આત્મવિશ્વાસનું નિર્માણ અને નાણાકીય સ્થિરતા પર કેન્દ્રિત વિવિધ કાર્યક્રમોના માધ્યમથી અમદાવાદમાં 12,000થી વધુ મહિલાઓને તાલીમ અને સહયોગ પૂરો પાડ્યો છે. કમલા પહેલ ઉપરાંત, આ સહભાગીદારીએ કચરાના વ્યવસ્થાપન, રીસાઇકલ સ્ટેશનરીના ઉત્પાદન અને મૂલ્ય નિર્માણ કેન્દ્રો જેવી વિવિધ પહેલને પણ સમર્થન પૂરું પાડ્યું છે, જેનો લાભ હાશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓને થયો છે.

SEWAના સુશ્રી રીમા નાણાવટીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘કમલા સેન્ટર્સ એ ફક્ત ફૂડ આઉટલેટ્સ જ નથી પરંતુ તે તો ગૌરવ અને તકો માટેનાં સ્થાનો છે. મહિલાઓ તેમના પરિવારો અને સમુદાયોમાં સન્માન મેળવવાની સાથે એ પણ સાબિત કરે છે કે સહકારી ઉદ્યમથી આર્થિક  સલામતી મેળવી સ્વાવલંબી બની શકાય છે. ડૉઇશ બેંકના નિરંતર સહયોગથી અમે પૂરી પાડેલી તાલીમ અને ક્ષમતા નિર્માણના કૌશલ્યો મહિલાઓને ફક્ત ગુજરાન ચલાવી આપતા કામોમાંથી ઉગારીને સ્થાયી આજીવિકા રળી આપવામાં મદદ કરી રહ્યાં છે.’ આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની સાથે ડૉઇશ બેંક અને SEWAએ મહિલાઓના સશક્તિકરણ, સમુદાયોના સુદ્રઢ બનાવવા અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા પ્રત્યેની તેમની સહિયારી કટિબદ્ધતાની ફરીથી પુષ્ટિ કરી છે.